પિતાએ મોબાઇલ અપાવવાની ના પાડતા ધો.10ની વિદ્યાર્થિનીએ ગળાફાંસો ખાધો

અમદાવાદ | મોબાઈલ ફોનનું વળગણ શહેરના એક સામાન્ય પરિવારની દીકરી માટે મોતનું કારણ બન્યું છે. મેઘાણીનગરમાં રહેતી 16 વર્ષીય ધોરણ 10માં અભ્યાસ કરતી સગીરાએ પરિવાર પાસે મોબાઈલ ફોનની માગણી કરી હતી. સાધારણ પરિવાર માટે હાલ મોબાઇલ લેવાનું શક્ય ન હોવાથી પિતાએ તેને ધો. 12મા પાસ થાય પછી જ મોબાઇલ અપાવવાનું કહ્યું હતું. આથી પુત્રીને લાગી આવતા તેણે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. મેઘાણીનગર પોલીસે આ અંગે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ધો. 12માં પાસ થાય પછી જ મોબાઇલ અપાવવાનું કહેતા પુત્રીને લાગી આવ્યું હતું, મોબાઇલનું વળગણ દીકરીને મોત સુધી ધકેલી દેતા પરિવાર આઘાતમાં

બનાવની વિગતે એવી છે કે, શહેરના મેઘાણીનગરના રામેશ્વરમાં આવેલી સિહેશ્વરીની ચાલીમાં રહેતા રામજી રાઠોડની પુત્રી દિશા રાઠોડ (ઉ.વ.16) ધોરણ 10માં અભ્યાસ કરતી હતી. છેલ્લા ઘણા સમયથી દિશા તેના પિતા રામજીભાઈ તથા તેના સગાંસંબંધીઓ પાસેથી મોબાઈલ ફોનની માગણી કરતી હતી. રામજીભાઈની આર્થિક સ્થિતિ નબળી હોવાથી દિશાને નવો ફોન અપાવી શકતા ન હતા. આથી રામજીભાઈએ દિશાને ધોરણ 12 પાસ કર્યા પછી જ ફોન અપાવવાનું જણાવ્યું હતું. પિતાની આ વાતથી મનમાં લાગી આવતા દિશાએ ગુરુવારે ઘરમાં એકલતાનો લાભ લઈ ઘરનો દરવાજો બંધ કરી ગળાફાંસો ખાઈ લીધો હતો. દીકરીનું મોબાઇલનું વળગણ તેને મોત સુધી ધકેલી દેતા પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.

આ ઘટનાની જાણ થતાં મેઘાણીનગર પોલીસ ઘટના સ્થળે પહોંચી યોગ્ય તપાસ હાથ ધરી હતી. આ અંગે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

નરોડામાં ધો. 10ની વિદ્યાર્થિનીનો આપઘાત

આત્મહત્યાની બીજી ઘટનામાં નરોડાના શીતળાનગરમાં રહેતા નગીનભાઈ વાઘેલાની ધોરણ-10માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની જ્યોતિકા વાઘેલા (ઉ.વ.16)એ ઘરના સભ્યો બેસણામાં જવાના હોવાથી સ્કૂલમાં રજા રાખી હતી. ઘરના સભ્યો ગયા પછી જ્યોતિકાએ ઘરમાં ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે જ્યોતિકાના પરિવાર સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે, જ્યોતિકા છેલ્લા ત્રણ દિવસથી માનિસક રીતે અસ્વસ્થ હોય તેવું તેના વર્તનથી લાગતંુ હતું. જોકે તેણે આ બાબતે પરિવારજનોએ પુછવા છંતા પણ કોઈ વાત કરી નહતી. આ અંગે નરોડા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2OAx7uL

Comments