દીકરીએ પ્રેમલગ્ન કરતાં માતાપિતાએ ઘરેથી કાઢી મૂકી, સાસરે પહોંચી તો પતિ બીજી પત્નીને લઈને ઘરે આવ્યો

અમદાવાદ | ફિક્કી ઈવેન્ટ ગ્રૂપમાં કામ કરતી યુવતીએ 2 મહિના પહેલા જ યુવાન સાથે પ્રેમ લગ્ન કર્યાં હતાં. લગ્ન બાદ બંને પોતપોતાના ઘરે જ રહેતાં હતાં. જોકે યુવતીના ઘરે લગ્નની જાણ થઈ જતાં માતા-પિતાએ તેને ઘરમાંથી કાઢી મુકી હતી. ત્યાર બાદ યુવતી તેની સહેલીના ઘરે રહેવા ગઈ. બીજા દિવસે યુવતી બહેનપણીને સાથે લઇને સાસરીમાં પહોંચી હતી. જ્યાં પતિ ગાડીમાં બીજી પત્નીને સાથે લઇને ઘરે આવ્યો હતો. આ દૃશ્ય જોઇને યુવતીએ પતિ સાથે ઝઘડો કરતા પતિ, સાસુ, સસરા અને નણંદે ભેગા મળી યુવતી સાથે મારામારી કરી જાતિ વિષયક અપશબ્દો બોલી કાઢી મૂકતા યુવતીએ ચાંદખેડા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

યુવક અને યુવતી વચ્ચે છેલ્લાં ચાર વર્ષથી પ્રેમસંબંધ હતો, યુવક વારંવાર લગ્ન માટે દબાણ કરતો હતો, જેથી બંનેએ બે મહિના પહેલાં લગ્ન કર્યાં હતાં અને 5 દિવસ પહેલાં જ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું

મૂળ રાજસ્થાન ડુંગરપુરની રહેવાસી અને હાલમાં રાણીપના પિંક સિટીમાં આવેલા સુંદરવન ફ્લેટમાં રહેતી અંજલિ રતનલાલ ભીલ (ઉં.વ. 22) 4 વર્ષ પહેલાં એક ખાનગી મોબાઇલ કંપનીના કોલ સેન્ટરમાં નોકરી કરતી હતી. આ કોલ સેન્ટરની બાજુમાં આવેલા ધરતી સિલ્વર ફલેટ, માન સરોવર રોડ, ચાંદખેડામાં રહેતા સૂરજ રાજેન્દ્રપ્રસાદ પાંડે પરિચયમાં આવ્યો હતો અને બંને વચ્ચે પ્રેમ સબંધ બંધાયો હતો.

લગભગ 4 વર્ષથી સંબંધ હોવાથી સૂરજ વારંવાર લગ્ન માટે દબાણ કરતો હતો. આમ સૂરજ અને અંજલિએ 1 ઓક્ટોબર, 2019ના રોજ લગ્ન કર્યાં હતાં અને 25 નવેમ્બરે લગ્નની નોંધણી કરાવી લીધી હતી. જોકે લગ્નની નોંધણી કરાવી તેના બીજા જ દિવસે અંજલિના માતા-પિતાને જાણ થતાં તેને ઘરમાંથી કાઢી મુકી હતી. ત્યાબાદ 27મીએ અંજલિ તેની સહેલી માનસી સાથે સૂરજના ઘરે ગયાં હતાં. જોકે સૂરજ ઘરે હાજર નહીં હોવાથી તે બંને તેના એપાર્ટમેન્ટની બહાર સૂરજની રાહ જોઈને ઊભા હતા. થોડી વાર પછી સૂરજ કારમાં એખ યુવતી સાથે આવ્યો. આ યુવતી વિશે પૂછતા તે તેની પત્ની હોવાનું અંજલિને જાણવા મળ્યું હતંુ. જેથી આ બાબતે અંજલિએ સૂરજ અને તેના માતા -પિતા સાથે વાત કરતા સૂરજ તેના પિતા રાજેન્દ્ર પ્રસાદ, માતા ઉમાબહેન અને સાધનાબહેને મળીને અંજલિને જાતિ વિષયક અપશબ્દો બોલી ઘરમાંથી કાઢી મૂકી હતી.

જેથી આ અંગે અંજલીએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પરંતુ આ કેસ એટ્રોસીટીનો હોવાથી આગળની તપાસ એસસી એસટી સેલને સોંપવામાં આવી હતી.

મેરેજ સર્ટિફિકેટ સહિતના પુરાવા રજૂ કર્યા

અંજલએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં તેના પતિ, સાસુ, સસરા સામે ફરિયાદ નોંધાવવા પહોંચી ત્યારે તે મેરેજ સર્ટિફિકેટ સહિતના તમામ પુરાવા સાથે લઇને ગઇ હતી. જેના આધારે અંજલી અને સૂરજે લગ્ન કરી લીધા હોવાનું પૂરવાર થયા બાદ જ પોલીસે ફરિયાદ નોંધી હતી.

બીજી યુવતી કોણ છે તેની તપાસ કરાશે

 અંજલિએ પોલીસ ફરિયાદમાં એવું લખાવ્યું છે કે સૂરજ સાથે આવેલી યુવતી તેની પત્ની હતી. પરંતુ ખરેખર તે યુવતી તેની પત્ની હતી, ગલ ફ્રેન્ડ હતી, પ્રેમિકા હતી કે કોણ હતી તે દિશામાં તપાસ શરૂ કરી છે. આ અંગે સુરજ અને તેની સાથે આવેલી યુવતીની પૂછપરછ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. બી. કે. ગમાર, પીઆઈ, ચાંદખેડા



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2qbaW56

Comments