વધુ વજન સંબંધિત સર્જરી જીવન રક્ષક, વીમો ચૂકવવા કોર્ટનો હુકમ

સુરતઃ આધુનિક સમયમાં બેઠાડુ જીવનના લીધે મેદસ્વિતાનો રોગ વધતો જ જઇ રહ્યો છે અને આથી જ લોકો આ સંબંધે મેડિકલ સારવાર પણ કરાવી રહ્યા છે. અલબત્ત, કેટલીક વીમા કંપનીઓ આ સારવારનો ક્લેઇમ ચૂકવવા માટે આનાકાની કરતી હોય છે. આવા જ એક કિસ્સામાં વીમા કંપનીએ ક્લેઇમ ચૂકવવાથી ઇનકાર કરતાં મામલો ગ્રાહક કોર્ટમાં પહોંચ્યો હતો જ્યાં દલીલો બાદ વીમેદારને રૂપિયા 20 લાખ ચૂકવવાનો હુકમ કરાયો હતો. અરજદાર તરફે એડવોકેટ શ્રેયાંસ દેસાઇએ દલીલો કરી હતી. કેસની વિગત મુજબ લાલદરવાજા ખાતે રહેતા આકાશ ભાઈ ( નામ બદલ્યું છે) અને રમાબેન દ્વારા સુરત જિલ્લા ફોરમમાં ધી ઓરિએન્ટલ ઇન્સ્યૉરન્સ કંપની લી. સામે કરેલી ફરિયાદ મુજબ વર્ષ 2013થી રૂપિયા બે લાખનો વીમો અરજદાર દ્વારા લેવામાં આવ્યો હતો. ફરિયાદી રમાબેન મેદસ્વી હતા. વર્ષ 2017માં તેમને બેચેની, ચાલવામાં તકલીફ અને શ્વાસ લેવામાં તકલીફ પડતાં તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે માટે રમાબેનનુ લેપ, સ્લીવ ગેસ્ટ્રેકટોમી તરીકે ઓળખાતું ઓપરેશન કરાવવામાં આવ્યુ હતુ. જેનો કુલ ખર્ચ રૂપિયા 20 લાખ થયો હતો. આ અંગે વીમા કંપનીએ ક્લેઇમ નકારતા મામલો કોર્ટમાં પહોંચ્યો હતો જ્યાં દલીલો બાદ કોર્ટે ક્લેઇમ મંજૂર કરતો હુકમ કર્યો હતો.

આ કોઇ કોસ્મેટિક સર્જરી નથી, જીવનનો સવાલ છે
દલીલ કોર્ટમા દલીલ દરમિયાન અરજદાર તરફે જણાવાયુ હતુ કે આ સર્જરી ભવિષ્યમાં સંભવિત ગંભીર જીવલેણ બીમારીઓની શક્યતાઓમાંથી બચવા માટે જરૂરી હોવાથી કરવામાં આવે છે. આ ઉપરાંત દલીલ કરાઈ હતી કે સર્વોચ્ચ ગ્રાહક અદાલતે પણ આ પ્રકારના ક્લેઇમ મંજૂર કર્યા છે. આ ઉપરાંત દલીલ કરવામા આવી હતી કે આ કોઈ કોસ્મેટિક સર્જરી નથી. મોરબીડ ઓબેસિટી જીવલેણ પુરવાર થઈ શકે છે.

વીમા કંપનીઓ અગાઉ સ્પષ્ટતા કરતી નથી, હવે કરવા લાગી
એડવોકેટ શ્રેયસ દેસાઈ કહે છે કે અનેક વીમા કંપનીઓ ક્યો ક્લેઇમ મળે એની જગ્યાએ કયો ક્લેમ ન મળે એ બાબત પર વધુ ધ્યાન આપતી હોય છે. ઓબેસિટી પણ તે પૈકીનો એક ભાગ છે. જેની સ્પષ્ટતા કરવામાં આવતી નહતી જેથી વીમેદાર પણ કન્ફયુઝ રહેતા હતા. જો કે તેના ક્લેમ વધતા જતાં વીમા કંપનીઓ સફાળી જાગી હતી અને વર્ષ 2015થી આ સારવારનો ખર્ચ ન મળે એવી સ્પષ્ટતા કરવા લાગી છે. આ કેસમાં પોલિસી 2013માં લેવામાં આવી હતી અને ઇન્દોરની ખ્યાતનામ હોસ્પિટલમાં સારવાર કરાવાઈ હતી. જ્યાંના ડોકટરે પણ સર્ટિફિકેટ આપ્યુ હતુ કે આ ઓપરેશન જીવન રક્ષક જ છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર


from Divya Bhaskar https://ift.tt/37MADdf

Comments