મોદી હૈ તો મુકીમ હૈ... જો નોકરી જ કરવી હોય તો પછી ખતરાઓની ચિંતા શું કામ કરવી જોઈએ

અમદાવાદ: ગુજરાત સરકારે રાજ્યના નવા મુખ્ય સચિવ તરીકે 1985 બેચના આઇએએસ અધિકારી અનિલ મુકીમની નિમણૂકનો હુકમ કરી દીધો છે. મુકીમ શનિવારે જ વર્તમાન મુખ્ય સચિવ ડો. જે. એન. સિંઘના ઉત્તરાધિકારી તરીકેનો ચાર્જ સંભાળી લેશે. ભાસ્કરના ચિંતન આચાર્ય સાથેની એક્સક્લુઝિવ ચર્ચામાં તેમણે કહ્યું કે સંતુલિત માળખાકીય સુવિધા ઊભી કરી ગુજરાતનાં ગામોમાં શહેરો જેવો વિકાસ અને શહેરી લોકોના જીવનધોરણમાં વધુ સરળતા લાવવાનું કામ તેમની પ્રાથમિકતા હશે.
ભાસ્કર: એવું કહેવાતું હતું કે તમને આ હોદ્દો લેવાની કોઇ ઇચ્છા ન હતી પણ તમારે દિલ્હીમાં જ રહેવું હતું. શું આ હોદ્દો લેવા માટે તમારી પર કોઇ દબાણ હતું.
મુકીમ: હું એક વ્યાવસાયિક સરકારી કર્મચારી છું અને તેથી હું હોદ્દાઓ અને તેવી અન્ય બાબતો અંગે કાંઇ વિચારતો નથી. અને વ્યાવસાયિક કર્મચારી હંમેશા તેના સરકારી રાજકીય અગ્રણીઓ જે કાર્ય સોંપે તે કરવા તત્પર હોવા જોઇએ. અને એટલે જ(હસીને કહે છે) હું કહું છું કે જો નોકરી જ કરવી હોય તો પછી ખતરાઓની ચિંતા શું કામ કરવી જોઇએ.
ભાસ્કર: ગુજરાતમાં મુખ્ય સચિવ તરીકે તમારી પ્રાથમિકતા કયા ક્ષેત્રની રહેશે.
મુકીમ: ગુજરાત ખૂબ વિકસિત રાજ્ય છે અને વ્યવહારુ દૃષ્ટિવાળા રાજકીય નેતાઓની અહીં પકડ હોવાથી દરેક રીતે ગુજરાત આગળ છે. હું માનું છું કે દરેક ક્ષેત્રમાં સંતુલિત વિકાસ એ જ મારી પ્રાથમિકતા રહેશે. જો માળખાકીય સુવિધાની વાત કરીએ તો તે પણ સંતુલન સાથે જ થવો જોઇએ. ગ્રામીણ ક્ષેત્રોમાં પણ માળખાકીય સુવિધા શહેરો જેવી મળવી જોઇએ તો સાથે શહેરી વિસ્તારના લોકોને ગુણવત્તાયુક્ત જીવન પ્રાપ્ત થવું જોઇએ. ગુજરાતમાં સ્વચ્છતા તથા પાણી વિતરણ જેવાં મુદ્દે વધુ સકારાત્મક કામ કરીશું અને વડાપ્રધાનના ‘નલ સે જલ’ જેવા પ્રોજેક્ટ તેમાં મદદરૂપ થશે. ગુજરાતમાં પાણીની અછત ન રહે તે રીતેનું વ્યવસ્થાપન વધુ ઉન્નત બનાવીશું.
ભાસ્કર: બજારોમાં આર્થિક મંદીનો પ્રશ્ન પણ છે. ગુજરાતના નાણાં વિભાગમાં કામ કરવાનો અનુભવ હોઇ હવે રાજ્યમાં તમે કયા સુધારા ઇચ્છો છો.
મુકીમ: નાણાંકીય શિસ્તના તમામ ધોરણોનું સરકારમાં ખૂબ સુદૃઢરીતે પાલન કરવું જોઇએ તો જ આ દિશામાં યોગ્ય કામ થઇ શકે. આ ઉપરાંત સરકારી ખર્ચમાં પણ ખૂબ વ્યવહારુ રીતે વ્યવસ્થાપન કરવું જોઇએ જેથી કરીને તમામ વિભાગો અને ક્ષેત્રોને પૂરતાં નાણાં મળી રહે અને સામે સરકારી આવકોનું પ્રમાણ પણ જળવાતું રહેવું જોઇએ.
ભાસ્કર: આવતી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ શક્ય છે આપના નેતૃત્વમાં યોજાય, ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસના વડાપ્રધાન મોદીના મંત્ર અંગે શું કરશો.
મુકીમ: ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસ અને વિદેશી ફંડો સારાં એવાં આવ્યા છે અને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં સ્ટેટ આગળ છે. ગુજરાતે હંમેશા ધંધાદારીઓ અને રોકાણકારોના પ્રશ્નો ઉકેલ્યા છે. હવે અમારી ગુજરાતની અમલદારોની ટીમે એ સુનિશ્ચિત કરવાનું રહેશે કે સરકારના રાજકીય હોદ્દેદારોએ નક્કી કરેલી નીતિઓનું અમલીકરણ સુચારુ રૂપે થાય અને તેમની જે ઇચ્છા છે તે પૂર્ણ થશે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ગુજરાતના નવા ચીફ સેક્રેટરી અનિલ મુકીમ.


from Divya Bhaskar https://ift.tt/37MMkAy

Comments