મોદીના વિઝન મુજબ BRTSનું સંચાલન નહીં કરનારા 6 અધિકારીની બદલી કરી: કમિશનર

અમદાવાદ: બીઆરટીએસની સ્થાપનાના 10 વર્ષે પહેલી વખત જનરલ મેનેજરથી આસિસ્ટન્ટ મેનેજર કક્ષાના 6 અધિકારીઓની સાગમટે બદલી કરી દેવાઈ છે. આ અંગે મ્યુનિ. કમિશનર વિજય નેહરાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું કે, બીઆરટીએના સંચાલનમાં સુધારો કરવા આ અધિકારીઓને દિશાનિર્દેશ અપાયા હતા, જેમાં તેઓ સક્ષમ નિવડ્યા નથી. કારણ કે, બીઆરટીએસ દેશભરમાં ઉમદા પરિવહન સેવા બને તે આશયથી તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ તેને લોન્ચ કરી હતી. બીઆરટીએસના સમયપાલન, સ્વચ્છતા અને ટ્રેકની મરામત તેમજ મુસાફરોના અનુભવો સારા રહે તેવું તેમનું વિઝન હતું. હવે આ તમામ બાબતો પર ચર્ચાઓ કરીને મ્યુનિ.ના સારા અધિકારીઓની બીઆરટીએસમાં બદલી કરી છે. આ ઉપરાંત કોરિડોરમાં દોડતાં વાહનોને દંડ કરી તેમને રોકાશે અને સારા અધિકારીઓ બીઆરટીએસની ક્વોલિટી પણ સુધારશે. આમ કરીને આ સેવાને સુદૃઢ બનાવાશે.
અમદાવાદ જનમાર્ગમાં કોની સામે કોણ મુકાયું
  • BRTSના જીએમ દીપક ત્રિવેદીના સ્થાને આસિ. કમિ. વિશાલ ખનામાની નિયુક્તિ.
  • BRTSના ડે. જીએમ મીતેષ શાહને ખસેડી જિજ્ઞેશ પટેલને વધારાની જવાબદારી સોંપાઇ.
  • BRTSના ડે. જીએમ મુકેશ પટેલના સ્થાને ડીવાયએસપી જયેશ ડી.બ્રહ્મભટ્ટની નિયુક્તિ.
  • BRTSના આસિ. મેનેજર અપૂર્વ સોલંકીના સ્થાને પ્રણવ યુ. બારોટની નિયુક્તિ.
  • BRTSના આસિ. મેનેજર ઉમંગ શાહના સ્થાને રાકેશ મિલિશિયાની નિયુક્તિ.
  • સારંગ મોદીની પણ BRTSમાં નિમણૂક.
સામ, દામ, દંડથી આ રીતે ‌BRTSનું સંચાલન સુધારાશે
એન્ફોર્સમેન્ટ
  • કોરિડોરમાં ઘૂસતા લોકોને પકડવા 4 સ્ક્વોર્ડ રચાઈ.
  • સીસીટીવીથી કોરિડોરમાં ઘૂસતા લોકોને ઈ-મેમો.
  • ટૂ વ્હીલર માટે 1500, કાર માટે 3000નો દંડ લેવાશે.
  • 1000 સિક્યોરિટી ગાર્ડ તહેનાત કરવામાં આવશે.
  • જેટની ટીમ સાથે ટ્રાફિક પોલીસના જવાનોને મૂકી દંડ વસૂલ કરાશે.
રોડ એન્જિનિયરિંગ
  • પોલીસ, મ્યુનિ. સાથે મળીને કોરિડોરનો સરવે કરશે.
  • કોરિડોરના એન્ટ્રી-એક્ઝિટ, સાઈડમાં બૂમ બેરિયર લગાવાશે.
  • મહત્ત્વના જંક્શનો પર એક્ઝિટ-એન્ટ્રી પોઈન્ટ પર રબરના સ્પિડ બ્રેકર મૂકાશે.
  • CRRI અને CSRIના સ્ટડી રિપોર્ટ રજૂ કર્યા પછી અમલવારી કરાશે.
ટ્રાફિક અવેરનેસ
  • સ્કૂલ-કોલેજમાં ટ્રાફિક અવેરનેસ પ્રોગામ યોજાશે.
  • જીઆઈડીસી વિસ્તાર તથા ઔધોગિક એકમોમાં જાગૃતિ કાર્યક્રમો યોજાશે.
  • એએમટીએસ,બીઆરટીએસ અને એસટીના ડ્રાઈવરોને તાલીમ અપાશે.
  • ટ્રાફિકના નિયમોના પાલન માટે વિવિધ રીતે જાગૃતિ અભિયાન ચલાવાશે.
પોલીસ વાન કોરિડોરમાં ઘૂસતા દંડ
વડોદરાથી આવેલી પોલીસ વાન પણ બીઆરટીએસ કોરિડોરમાં ઘૂસી ગઇ હતી. જોકે ડ્રાઇવરે પૈસા ન હોવાની વાત કરતા વાનને સાઇડમાં પાર્ક કરાઇ હતી.જોકે બાદમાં ચાલકે દંડ ભર્યો હતો.
ચાર એમ્બુલન્સને સિટ બેલ્ટનો દંડ કરાયો
લીલાનગરમાં BRTS કોરિડોરમાં સીટ બેલ્ટ વગર જતાં એમ્બુલન્સના ડ્રાઇવરને દંડ કરાયો હતો.જોકે એમ્બુલન્સમાં કોઇ દર્દીઓ ન હતા.
કારચાલકે કહ્યુ ‘બોર્ડ નહોતું, ખ્યાલ ન રહ્યો’
ઘોડાસર બીઆરટીએસ કોરીડોરમાં એક કાર ચાલક પ્રવેશ્યો હતો. પોલીસે પકડતા તેણે ઇન્ટરનેશનલ લાઇસન્સ બતાવ્યું હતું અને કહ્યું કે, બોર્ડ ન હોવાથી મને કોરિડોરની જાણ ન હતી.
પોલીસ-જેટની ટીમે કોરિડોરમાં જતાં 186 લોકો પાસેથી 1.24 લાખ દંડ વસૂલ્યો
પોલીસ અને મ્યુનિ.ની જેટની ટીમે બીઆરટીએસ કોરિડોરમાં વાહન હંકારતા 186 લોકોને પકડી રૂ. 1.24 લાખનો દંડ વસૂલ્યો હતો. કોરિડોરમાં ભાગતા લોકોને પકડવા બાઉન્સરોની પણ દોડાદોડી જોવા મળી હતી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
BRTS કોરિડોરમાં વાહન હંકારતા લોકોને પકડવા બાઉન્સરોની દોડાદોડી.


from Divya Bhaskar https://ift.tt/2OAlYKx

Comments