ડાયમંડ બુર્સથી 2.50 લાખ કરોડનું એક્સપોર્ટ થશે, 1 લાખ લોકોને સીધી રોજગારી મળશે

અમદાવાદ: અમેરિકાની સિક્યુરિટી સંસ્થા પેન્ટાગોન કરતાં પણ મોટા વિસ્તારમાં તૈયાર થઈ રહેલું સુરતનું ડાયમંડ બુર્સ 2020ના ડિસેમ્બર માસ સુધીમાં ધમધમતંુ થઈ જશે. 66 લાખ ચો.ફૂટમાં 11 માળના કુલ 9 ટાવરમાં 4200 જેટલી ઓફિસ કાર્યરત થશે. અંતિમ તબક્કામાં પહોંચેલા બુર્સના બાંધકામ પંચતત્વ થીમ પર કરાયું છે. 2600 કરોડમાં તૈયાર થઈ રહેલા પ્રોજેક્ટ પાછળ અત્યાર સુધીમાં 1500 કરોડ રૂપિયા ખર્ચ થઈ ગયા છે. ત્યારે જે 1.50 લાખ કરોડનું વાર્ષિક જે હીરાનું એક્સપોર્ટ સુરતથી મુંબઈ થકી થાય છે, જે વધીને 2.50 લાખ કરોડ થવાની સાથો-સાથ સુરતથી જ તે એક્સપોર્ટ શરૂ થાય તેવી આશા છે. મુંબઈથી હીરા ઉદ્યોગ સુરત શિફ્ટ થશે. સુરતના આર્થિક ગ્રોથમાં મહત્ત્વનો ફાળો આપશે.
ડાયમંડ બુર્સની ખાસિયતો
  • 66 લાખ ચોરસ ફૂટ જગ્યા
  • 4200 જેટલી ઓફિસ બનશે
  • 2600 કરોડ કુલ ખર્ચ થશે
  • 1500 કરોડનો ખર્ચ થયો
એઈમ્સનું ખાતમુહૂર્ત, આ સત્રથી જ એડમિશન શરૂ
રાજકોટમાં એઈમ્સ મંજૂર થતા તેની વહીવટી પ્રક્રિયાઓ આટોપવા માટે તંત્ર કામે લાગ્યું છે અને ફેબ્રુઆરી માસમાં જ તેનું ખાતમુહૂર્ત થઈ જશે. એઈમ્સ બે વર્ષમાં તૈયાર થશે પણ તેમાં એડમિશન આ વર્ષના સત્રથી જ આપવાના શરૂ થઈ જશે. રાજકોટના ખંઢેરીમાં 1200 કરોડ રૂપિયાના ખર્ચે એઈમ્સ બનશે આ માટે ફેબ્રુઆરી માસમાં ખાતમુહૂર્ત કરવા માટે તૈયારી ચાલી રહી છે જેમાં પ્રધાનમંત્રી પણ આવે તેવી શક્યતા છે.
જ્વેલરી કામ માટે કોમન ફેસિલિટી સેન્ટર શરૂ થશે
રાજકોટમાં બનતા સોનાના દાગીના દેશ–વિદેશમાં પ્રખ્યાત છે. અહીંની ડિઝાઈન ક્રિકેટરથી લઇને ફિલ્મી સિતારાઓને પસંદ પડી જાય છે. ત્યારે 2020 રાજકોટના સોની વેપારીઓ માટે લાભપાંચમ બની રહેશે. કારણ કે, આ નવા વર્ષમાં જ્વેલરી કામગીરી માટે રાજકોટ ખાતે રાજ્યમાં પ્રથમ વખત કોમન ફેસિલિટી સેન્ટર શરૂ થશે. રાજકોમાં જ્વેલરી માટે કોમન ફેસિલિટી સેન્ટર શરૂ થશે. જેનાથી સૌરાષ્ટ્રના સોની વેપારીઓને ફાયદો થશે.
સાબરમતિની જેમ તાપી કિનારે રિવરફ્રન્ટ બનશે
આમદાવાદની જેમ સુરતમાં તાપી નદીના કિનારે રિવરફ્રન્ટ બનશે. તાપી રિવરફ્રન્ટ પ્રોજેકેટ સાકાર કરવાની સૈધ્ધાંતિક મંજૂરી મળી ગઇ છે. 4 હજાર કરોડના આ પ્રોજેકટમાં સુરતથી ગાયપગલા સુધી તાપી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કરવામાં આવશે. જે શહેરીજનોને આનંદપ્રમોદનું એક સ્થળ મળી રહે તે રીતે વિકાસવાશે.
નર્મદાનું પાણી પંપિંગ કરી દાહોદ-છોટાઉદેપુર જિલ્લાને અપાશે
દાહોદ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા કાયમી ધોરણે દૂર કરવા રાજ્ય સરકાર દ્વારા નર્મદા નદી આધારીત દાહોદ – છોટાઉદેપુર જિલ્લાની જૂથ પાણી પુરવઠા યોજના વર્ષ 2016માં શરૂ કરી હતી જે જૂન 2020 સુધી યોજના પૂર્ણ થશે. રૂ.890 કરોડના ખર્ચે તૈયાર થનારી આ યોજના અંતર્ગત દાહોદ અને છોટાઉદેપુર જિલ્લાના 283 ગામો અને બે શહેરોની લગભગ 12 લાખની વસ્તીને પીવાનું પાણી મળશે. આ માટે ગ્રામ્ય વિસ્તારોમાં પાણીના સંપ બનાવાશે.
ગિરનાર રોપ-વે તૈયાર થશે, જૂનાગઢમાં પહેલા જ વર્ષે 7 લાખ વધારે પ્રવાસીઓ આવવાની આશા
જૂનાગઢમાં ગિરનાર રોપ-વે આગામી એપ્રિલ માસ સુધીમાં સાકાર થવા જઇ રહ્યો છે. વર્ષ 2020 જૂનાગઢ માટે આર્થિક રીતે પણ 20-20 સાબિત થાય એવા સંજોગો રોપ-વેને પગલે સર્જાવાના છે. પ્રથમજ વર્ષથી ફક્ત રોપ-વેને લીધે જૂનાગઢ આવતા પ્રવાસીઓમાં 5 થી 7 લાખનો વધારો થવાનો અંદાજ છે. ગિરનાર રોપ-વે શરૂ થતાં આખા સોરઠ માટે ગૌરવ લેવા જેવી બાબત એ રહેશે કે, એશિયાનો સૌથી મોટો રોપ-વે પ્રોજેક્ટ તેમની પાસે હશે. એક વખત રોપ-વેમાં બેસવા માટે પણ આખા સૌરાષ્ટ્રના લોકો આવશે.
ભાવનગરમાં વિશ્વનું સૌ પ્રથમ CNG પોર્ટ ટમિર્નલ બનશે
દુનિયાના સર્વપ્રથમ એવા સી.એન.જી. ટર્મિનલની ભાવનગર બંદર પર સ્થાપનાની મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે. યુ.કે.સ્થિત ફોરસાઇટ જૂથ અને મુંબઇ સ્થિત પદ્મનાભ મફતલાલ ગૃપના સહયોગમાં 1900 કરોડના મૂડીરોકાણથી સી.એન.જી પોર્ટ ટર્મિનલ ભાવનગર બંદરે નિર્માણ પામશે.
કાંકરિયા તળાવની તર્જ પર સુરસાગરનું બ્યુટીફિકેશન
વડોદરાની મધ્યમાં અાવેલા અને વડોદરાની અાગવી અોળખ સમાન સુરસાગરના બ્યુટીફિકેશનની કામગીરી 2020ના પ્રથમ ત્રણ મહિનામાં પૂરી કરી દેવાનો લક્ષ્યાંક છે અને નવા કલેવર અને ગ્રીનરી સાથેના સુરસાગરની ભેટ વડોદરાને મળશે.69062 ચોરસ મીટરમાં સુરસાગર પથરાયેલુ છે. રૂા.38.09 કરોડના ખર્ચે સુરસાગરને ખાલી કરીને અમદાવાદના કાંકરિયા તળાવની તર્જ પર વિકસાવી વડોદરાવાસીઅોને સમર્પિત કરાશે.
કેવડિયામાં અત્યાધુનિક રેલવે ભવન બનશે
કેવડિયામાં સુવિધાથી સજ્જ ઈકો ફ્રેન્ડલી, વોટર હાર્વેસ્ટિંગ અને સોલાર સિસ્ટમથી સંચાલિત રેલવે ભવનનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે આ ભવનનું ખાતમુહૂર્ત 6 જૂન 19એ કરાયું હતું. જેને 31 ઓક્ટોબર, 2020 પહેલાં પૂર્ણ કરવા તંત્ર દ્વારા કવાયત ચાલી રહી છે.
સમુદ્રના પેટાળમાં 10 પિલરનું કામ પૂર્ણ
ઓખાથી બેટદ્વારકા જવા માટે હાલ સુધી એકમાત્ર ફેરીબોટનો વિકલ્પ હતો.ત્યારે વાહન વ્યવહાર બેટદ્વારકા સાથે જોડાઇ તે હેતુથી ઓખાથી બેટદ્વારકા 4.5 કિમીનું અંતર ધરાવતા સિગ્નેચર બ્રિજનું 900 કરોડના ખર્ચે નિર્માણકાર્ય ચાલી રહ્યું છે.જે કામગીરીમાં દરિયાના પેટાળમાં દરિયાઇ બ્રાજ ક્રેનની મદદથી 11માંથી 10 પિલર પણ ઊભા કરાયા છે.
પિરોટન અને બેટ દ્વારકા ટાપુનો વિકાસ
મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં સ્ટેટ આઇલેન્ડ ડેવપલમેન્ટ ઓથોરિટીની રચના કરાઇ છે. જે 23 મોટા ટાપુ વિકસાવશે.જેમાં પિરોટન અને બેટ દ્વારકા ટાપુનો છે. અહીં એક લાલબત્તી એ પણ ધરાઈ છે કે પિરોટન ટાપુ મરીન નેશનલ પાર્કની કેટેગરીમાં હોય અહીં સુરક્ષાના મુદ્દા ધ્યાને લઇ પિરોટન અને બેટદ્વારકાને પ્રવાસન ક્ષેત્રે વિકસાવવાના આયોજન હાથ ધરાશે.
સ્ટેચ્યૂ ઓફ યુનિટી પાસે જંગલ સફારી
સ્ટેચ્યૂ ઓફ યૂનિટી અને નર્મદા બંધ વચ્ચે અંદાજે 375 એકર વિસ્તારમાં જંગલ સફારીપાર્કનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. આ પ્રોજેક્ટ 2020માં પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાશે. જેનું 70 ટકા કામ 8 મહિનામાં પૂર્ણ કરાયું છે.જેમાં બેંગોલ ટાઈગર, એશિયાટિક લાયન, દીપડાની જોડ જંગલ સફારી માટે લાવવામાં આવ્યા છે. સાથે સફેદ, લાલ હરણ અને સાબર પણ લાવવામાં આવ્યા છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
સુરતમાં બની રહેલ ડાયમંડ બુર્સ.


from Divya Bhaskar https://ift.tt/2SOlnHs

Comments