રવિવારની કચેરી અધિક્ષકની પરીક્ષા માટે એમએસ સ્કૂલનું સેન્ટર રદ કરાયું

બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક કરવા મામલે પોલીસ તપાસ દરમિયાન અમદાવાદ દાણીલીમડાની એમએસ સ્કૂલના સંચાલક, આચાર્ય અને શિક્ષકની સંડોવણી બહાર આવી છે. જેને લઈને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રવિવારે લેવાનારી કચેરી અધિક્ષકની પરીક્ષા માટે આ સ્કૂલનું એક્ઝામ સેન્ટર રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સ્કૂલમાં જે ઉમેદવારોનો નંબર આવ્યો હતો તેમણે હવે મણિનગરની બેસ્ટ હાઈસ્કૂલમાં પરીક્ષા આપવાની રહેશે.

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રવિવારે કચેરી અધ્યક્ષની જગ્યાઓ માટે અમદાવાદ, ગાંધીનગર ખાતેનાં કેન્દ્રો ઉપર પરીક્ષા યોજાશે. અન્ય સ્કૂલોની સાથે એમએસ સ્કૂલમાં પણ પરીક્ષા કેન્દ્ર ગોઠવવામાં આવ્યું હતું, પરંતુ બિનસચિવાલય ક્લાર્કના પેપર લીક કેસની તપાસમાં આ સ્કૂલના સંચાલક અને સ્ટાફની સંડોવણી બહાર આવ્યા બાદ આ સ્કૂલનું સેન્ટર રદ કરી દેવામાં આવ્યું છે. જે ઉમેદવારોને આ સ્કૂલમાં પરીક્ષા આપવાની હતી, તેમને મણિનગરની બેસ્ટ હાઈ સ્કૂલમાં ખસેડવામાં આવ્યા છે.

ડીઈઓના સૂત્રોએ જણાવ્યું કે, 7 દિવસમાં સ્કૂલે શો-કોઝ નોટિસનો જવાબ આપવો પડશે. ત્યારબાદ ડીઈઓ જવાબથી અસંતુષ્ટ હશે તો બોર્ડ અને શિક્ષણ વિભાગને સ્કૂલની માન્યતા રદ કરવા ભલામણ કરશે.

સ્કૂલની મંજૂરીના દસ્તાવેજો મગાવાયા

પેપરલીક કેસમાં શાળાના ટ્રસ્ટી, 10 નિરીક્ષકની પૂછપરછ કરાઈ છે તેમ જ શાળા મંજૂરીના દસ્તાવેજો પણ મગાવાયા છે. એમએસ પબ્લિક સ્કૂલની માન્યતા રદ કરવા શહેર ડીઈઓએ સ્કૂલને શો-કોઝ નોટિસ આપી છે. સ્કૂલને જવાબ આપવા 7 દિવસનો સમય અપાયો છે. નોટિસમાં સ્કૂલ સંચાલકોએ સ્કૂલની માન્યતા રદ કેમ ન કરવી તે વિશે ખુલાસો કરવો પડશે. પેપર લીક કૌભાંડમાં સંડોવાયેલી એમ.એસ. પબ્લિક સ્કૂલની માન્યતા રદ કરવાની ભલામણ ડીઇઓ શિક્ષણ વિભાગ અને બોર્ડને કરી શકે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/35Zx6qy

Comments