રિવરફ્રન્ટ પર ગુરુવારે 24 મુમુક્ષુ અેકસાથે સંયમ માર્ગ અપનાવશે

પાલડી રિવરફ્રન્ટ પર 30 જાન્યુઆરીએ આચાર્ય વિજય મુક્તિપ્રભસૂરીશ્વરજી મ.સા. આદિ નવ આચાર્ય ભગવંતોની તથા સાધુ સાધ્વીજીની નિશ્રામાં દીક્ષા મહોત્સવ યોજાશે, જેમાં વિવિધ પ્રસંગોમાં સવારે પાલડીથી 24 મુમુક્ષુની વર્ષીદાન યાત્રા નીકળશે.

વર્ષીદાનમાં પરમાત્માના ત્રણ રથ, ભટિંડા બેન્ડ, હિંમતનગરનું દીનકર બેન્ડ, રાજકોટનું ખરેડી બેન્ડ, નાસિક ઢોલનાં આકર્ષણો ઉપરાંત સિદ્દી ધમાલ આદિવાસી મંડળી મનમોહક નૃત્ય રજૂ કરશે. સવારે 8.30 વાગ્યે રિવરફ્રન્ટથી નીકળનારી આ યાત્રા ધરણીધર, અંજલિ ચાર રસ્તા થઇને રિવરફ્રન્ટ પર પરત ફરશે.

વર્ષીદાન યાત્રા બાદ બપોરે 2 વાગે ઉપકરણના ચઢાવા થશે. સાંજે 4 વાગ્યે દીક્ષાર્થીઓનું પરિવાર સાથે શાહી વાયણું યોજાશે અને રાત્રે 8 વાગ્યે દીક્ષાર્થીઓનો વિદાય સમારોહ યોજાશે. આચાર્ય વિજય મુક્તિપ્રભસૂરીશ્વરજી મ.સા. આદિ સાધુ સાધ્વી ભગવંતોની નિશ્રામાં યોજાઈ રહેલા આ દીક્ષા મહોત્સવમાં 1.80 લાખ સ્ક્વેર ફિટ એરિયામાં દીક્ષા મંડપ ઊભો કરાયો છે.

ગુરુવારે વહેલી સવારે મુમુક્ષુઓની દીક્ષા વિધિનો પ્રારંભ થશે. જ્યારે બપોરે 2.30 કલાકે પ્રભુના દીક્ષા કલ્યાણની ઉજવણી અને રાતે જિનબિંબોની અધિવાસના તથા અંજનની માંગલિક વિધિ યોજાશે.

ઇન્ટરનેશનલ ક્રિકેટ રમનાર મહિલા પણ દીક્ષા લેશે

મુંબઈમાં રહી ગ્રેજ્યુએશન કરવાની સાથે અંડર 19માં ઇન્ટરનેશનલ ક્રિકેટ રમનાર ક્રિકેટર ઉષ્મા મંડલેચાએ સંયમનો માર્ગ અપનાવ્યો છે. રિવરફ્રન્ટ ખાતે 30મીએ આચાર્ય વિજય મુક્તિપ્રભસૂરીશ્વરજી મ.સા. આદિ આચાર્ય સાધુ ભગવંતોની નિશ્રામાં યોજાઈ રહેલા દીક્ષા મહોત્સવમાં 32 વર્ષની ઉષ્મા દીક્ષા ગ્રહણ કરશે. 8 દેશો સામે મહિલા ક્રિકેટમાં મિડિયમ પેસર તરીકે રમી ઉષ્માએ બે વાર હેટ્્ટ્રિક પણ મેળવી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/36Avkf4

Comments