37 ડિગ્રીથી વધુ બોડી ટેમ્પરેચર આવે તો મેડિકલ ચેકઅપ કરાય છે, વિદ્યાર્થીઓ-વેપારીઓ ચીનથી નીકળવા લાગ્યા

નાનચાંગથી મિલન ડાંગરઃ ચીનમાં સૌથી વધુ કોરોના વાઇરસના કેસ વુહાન શહેરમાં નોંધાયા છે. બસ,મેટ્રો રેલવે સ્ટેશન કે એરપોર્ટ અને અન્ય પબ્લિક ટ્રાન્સપોર્ટેશનના ઉપયોગ કરનાર બધાના પહેલા બોડી ચેકઅપ કરવામાં આવે છે. જો બોડી ટેમ્પરેચર 37 ડિગ્રીથી વધારે આવે તો તેમને મુસાફરી કરવાની ના પાડે છે અને તેઓના મેડિકલ રિપોર્ટ કરવામાં આવે છે. તાત્કાલિક સારવાર શરૂ કરી દેવામાં આવે છે. વિદ્યાર્થીઓને કોલેજ અને યુર્નિવર્સિટી તરફથી માસ્ક, ખાવા–પીવાનું આપવામાં આવે છે. વિદ્યાર્થીઓ પાસે કોલેજમાંથી બહાર નીકળતા પહેલાં અને બહારથી કોલેજમાં પ્રવેશ કરતા પહેલાં એક હેલ્થ ડક્લેરેશન ફોર્મ ભરાવવામાં આવે છે. જેમાં નામ, જેન્ડર, ક્યા દેશમાંથી આવો છો, કેટલા વખતથી ચીનમાં આવ્યા છો, પાસપોર્ટ નંબર, છેલ્લા 14 દિવસમાં વુહાન સિટીની મુલાકાત લીધી છે કેમ, તાવ, ફક, છાતીમાં દુખાવો વગેરે જેવા લક્ષણો દેખાય છે કે નહીં તે સહિતની બધી વિગતો માગવામાં આવે છે. હાલ તો શાળા કોલેજમાં વેકેશન છે.

બને તેટલા ઝડપથી સૌ માદરે વતન જવા માટે તત્પર
કોરોના વાઇરસને કારણે બધા વિદ્યાર્થીઓને પોતાના વતનમાં જવા કહી દીધું છે. જેને કારણે મોટા ભાગના વિદ્યાર્થીઓ તાત્કાલિક નીકળી રહ્યા છે. હાલ વન વે ફ્લાઈટનું ભાડું રૂ. 20 થી 25 હજાર સુધીનું વસૂલવામાં આવે છે. વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે અને તેઓને તાત્કાલિક ફ્લાઈટ મળી રહે તે માટેના પ્રયત્નો સરકાર તરફથી કરવામાં આવી રહ્યા છે. જે વિદ્યાર્થીઓ અને વેપારીઓ સૌરાષ્ટ્ર, રાજકોટ, ગુજરાતથી આવ્યા છે તે બંને તેટલા ઝડપથી પોતાના માદરે વતન જવા માટે તત્પર થયા છે. નાનચાંગમાં અંદાજિત 300 વિદ્યાર્થી રાજકોટ અને સૌરાષ્ટ્રના છે. જે વિદ્યાર્થીઓ ચીનમાં રહીને અભ્યાસ કરે છે કે નોકરી કરે છે, તેમના માતાપિતા સતત સંર્પકમાં રહે છે અને બધી પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે.

પુત્રીને ઇન્ટર્નશિપ છોડીને પરત બોલાવી
મારી પુત્રી હજરાબેને 1લી તારીખની ટિકિટ બુક કરાવી છે. તે છેલ્લા છ વર્ષથી ત્યાં છે અને હાલ તેની ઇન્ટર્નશિપ ચાલે છે તેમના પ્રોફેસરોએ જ તેમને હાલમાં ચાલ્યા જવા કહ્યું છે. તેમની હોસ્ટેલમાં ખાવાનું ખૂટી ગયું છે અને નળમાં આવતા પાણીને ગરમ કરીને ઉપયોગ કરાય છે. સંબંધી પાસેથી ઉછીના લઇ હજરાના ખાતામાં નાણાં ટ્રાન્સફર કરાવ્યા બાદ તેમની ટિકિટ બુક કરાવવાનું શક્ય બન્યું છે. સરકારેકોઇ મદદ કરી નથી. - મુમતાઝબેન ડેરૈયા

સરકારે કહ્યું ગોઠવીશું ત્યારે કહેશું
મારો પુત્ર ચિંતન વેઇફાંગમાં એમબીબીએસ કરે છે અને દોઢ વર્ષથી ત્યાં અભ્યાસ કરે છે. હાલમાં તેનું આખું શહેર બંધ છે અને ત્યાં રહેતા વિદ્યાર્થીઓને કેમ્પસની બહાર જવા દેતા નથી અને વિદ્યાર્થીઓને અત્યારે ખાવા-પીવાના સાંસા પડી ગયા છે. રાજકોટ લાવવા અરજી કરી તો વહીવટી તંત્ર કહે છે વ્યવસ્થા ગોઠવીશું ત્યારે કહેશું, ત્યાં રહી શકાય તેમ ન હોવાથી અમારી રીતે વ્યવસ્થા કરીએ છીએ. - અશોકભાઇ ગંગાધરણી

અત્યારની પરિસ્થિતિ જેલવાસ જેવી
અમારા સંતાનની અત્યારે સ્થિતિ જેલવાસ જેવી છે. મારો પુત્ર અભિષેક સેકન્ડ યરમાં છે. ખાવા-પીવાનું તેઓ ઓનલાઇન મગાવે છે. મારો પુત્ર ચાંગડાઉમાં રહે છે, હવે ત્યાં પણ વાઇરસ તેજીથી વકરી રહ્યો હોય તેમ બુધવારે 135ને થઇ છે. આથી તેઓ 6 વિદ્યાર્થી પરત આવવા માટે 31મીની ટિકિટ બુક કરાવવા પ્રયાસ કરી રહ્યા છે. સરકારને કહેતા તેઓ ઇમરજન્સી જેવું જણાશે તો પ્લેન મોકલીશું તેમ કહ્યું છે. -મનહરભાઇ ઝાલાવડિયા

બેંકમાંથી પૈસા ઉપાડી શકાયા નથી
મારો પુત્ર યશ નાનચાંગની મેડિકલ કોલેજમાં અભ્યાસ કરે છે. તેમને કોલેજમાંથી બહાર નીકળવા દેતા નથી. બેંકમાં પૈસા મોકલ્યા પણ તેઓ ઉપાડી શક્યા નથી. તેમના રૂમ મેટની મદદથી મારા પુત્રે 31મીએ ટિકિટ બુક કરાવી છે. હાલમાં બાંટવા, ભચાઉ, અમદાવાદ સહિતના 15 વિદ્યાર્થી આવવાની રાહમાં છે. જો તેમને થોડી અસર પણ દેખાશે તો આવવા નહીં દેવાય. સરકારે કોન્ટેક નંબર આપ્યા છે પણ કોઇ મદદ મળી નથી. - ચેતનાબેન ઓઝા

ચેપ ન લાગે તે માટે આયુર્વેદમાં ઉપાય
રાજકોટ આયુર્વેદિક હોસ્પિટલના વિભાગીય નાયબ નિયામક ડો.જયેશ પરમારે જણાવ્યું હતું કે, કોરોનાથી બચવા માટે મહાસુદર્શન ઘનવટીની ગોળી સવાર-બપોર-સાંજ એક એક ગોળી લેવી, સંશમતી વટી (ગળોનું ઘન) સવાર-બપોર-સાંજ એક એક ગોળી લેવી, તુલસીના 10 પાન, બે મરીનો એક કપ પાણી સાથે ઉકાળીને ઉકાળો સવારે નયણા પીવો, કાળી દ્રાક્ષના 10 દાણા રાત્રે પલાળીને સવારે તેને ચૂસવા.

યાત્રિકોને 28 દી’ નિરીક્ષણ હેઠળ રખાશે
મનપાના નાયબ આરોગ્ય અધિકારી ડો.પી.પી. રાઠોડે જણાવ્યું હતું કે, ચીનથી આવેલા યાત્રિકોનું સ્ક્રીનિંગ કરાશે અને સતત 28 દિવસ નિરીક્ષણ હેઠળ રાખવામાં આવશે. રાજકોટ એરપોર્ટ ઉપર કોરોના વાઈરસનું એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. એરપોર્ટ પર આ વાઈરસ અંગે જાગૃતિ કેળવતા બોર્ડ મુકાયા છે જેમાં દર્શાવાયું છે કે, છેલ્લા 14 દિવસ દરમિયાન જે યાત્રિકોએ ચીનની યાત્રા કરી છે અને જેમને તાવ, કફ, શ્વાસની તકલીફ છે તેવા યાત્રિકોએ તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં જઈને ઈલાજ કરાવવો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
મિલન ડાંગરની ફાઇલ તસવીર, નાનચાંગ, ચીન - ફાઇલ તસવીર


from Divya Bhaskar https://ift.tt/2GvqkOi

Comments