સોનાની આયાત એપ્રિલ-ડિસે.માં 7 ટકા ઘટવા સાથે જ્વેલરી નિકાસ 6.4% ઘટી

દેશમાં સોનાની આયાતમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલથી ડિસેમ્બરના ગાળામાં સોનાની આયાત 6.77 ટકાના ઘટાડા સાથે 23 અબજ ડોલર નોંધાઇ હોવાનું વાણિજ્ય મંત્રાલયના અહેવાલમાં દર્શાવ્યું છે. જે અગાઉના વર્ષે એટલે કે 2018-19ના સમયગાળામાં 24.73 અબજ ડોલર રહી છે.

સોનાની આયાતમાં ઘટાડાથી દેશની વેપારખાધ આ સમય દરમિયાન ઘટી 118 અબજ ડોલર રહી છે જે અગાઉના વર્ષે આ સમયમાં 148.23 અબજ ડોલર રહી હતી. આ વર્ષે જુલાઇથી સોનાની આયાતમાં નકારાત્મક વૃદ્ધિ નોંધાઇ છે. જોકે, ગયા વર્ષે ઓક્ટોબર અને નવેમ્બરમાં આયાતમાં નજીવો વધારો થયો હતો. ભારત સોનાનો સૌથી મોટો આયાતકાર છે જે જ્વેલરી ઉદ્યોગની માંગને પૂરો કરે છે.

વોલ્યુમની દ્રષ્ટિએ દેશ વાર્ષિક 800-900 ટન સોનાની આયાત કરે છે. વેપાર ખાધ અને ચાલુખાતાની ખાધ (સીએડી) પર સોનાની આયાતની નકારાત્મક અસરને ઘટાડવા માટે સરકારે સોના પરની આયાત ડ્યુટી 10 ટકાથી વધારીને 12.5 ટકા કરી હતી. નિષ્ણાતોના મતે ઉંચી ડ્યૂટીના કારણે જ્વેલરી ઉદ્યોગનો બિઝનેસ અન્ય પાડોશી દેશોમાં સ્થળાંતર થઇ રહ્યો છે.

જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (જીજેઈપીસી) આયાત ડ્યુટી ઘટાડીને 4 ટકા કરવાની માંગ કરી છે. ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલ-ડિસેમ્બરમાં જેમ્સ અને જ્વેલરીની નિકાસ 6.4 ટકા ઘટીને 27.9 અબજ ડોલર રહી છે. સોનાની આયાત વર્ષ 2018-19માં મૂલ્યની દ્રષ્ટિએ 3 ટકા ઘટીને 32.8 અબજ ડોલર થઈ છે.

બજેટમાં ડ્યૂટી ઘટાડી 10 ટકા કરવા ઇન્ડ.ની માંગ

શનિવારે રજૂ થનારા અંદાજપત્રમાં સોનાની આયાત ડ્યૂટી 2.5 ટકા ઘટાડીને 10 ટકા કરવામાં આવે તેવી ઇન્ડસ્ટ્રીઝ દ્વારા માંગ છે. ઉદ્યોગને સૌથી મોટી નુકસાની ઉંચી કિંમતના કારણે મોટા ભાગનો વેપાર અન્ય દેશોમાં ડાઇવર્ટ થઇ ચૂક્યો છે આ ઉપરાંત દાણચોરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. નિષ્ણાતોનું કહેવું છે કે આકરી ડ્યૂટીના કારણે આયાત ઘટવા સાથે દેશમાંથી નિકાસ અટકતા ઉદ્યોગ સાથે સંકળાયેલા અનેક કારીગરો બેરોજગાર બન્યા છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2vn7Vkd

Comments