આજે વિદ્યાર્થી સેનેટ, સ્ટુડન્ટ વેલ્ફેરની ચૂંટણી માટે મતદાર યાદી જાહેર કરાશે

એજ્યુકેશન રિપોર્ટર | અમદાવાદ

ગુજરાત યુનિવર્સિટીની વિદ્યાર્થી સેનેટ અને બોર્ડ ફોર સ્ટૂડન્ટ વેલ્ફેરની ચૂંટણી માટેની હાઈ પાવર ઇલેક્શન કમિટીની મંગળવારે મળેલી બેઠકમાં ચૂંટણીલક્ષી કામગીરીમાંથી 15 કર્મચારીએ રાજીનામું પાછું ખેંચ્યું હતું. વિદ્યાર્થી સંગઠનોના ખરાબ વર્તનના પગલે દબાણમાં આવેલા આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર હિતેશ ગઢવી સહિતના કર્મચારીઓએ સોમવારે રાજીનામું આપ્યું હતું.

હાઇપાવર ઇલેક્શન કમિટિના સભ્યોએ સલામતીની ખાતરી આપતાં કર્મચારીઓએ રાજીનામું પાછું ખેંચ્યું છે. બીજી તરફ બુધવારે મતદાર યાદીની જાહેરાત કરાશે. તેમ ગુજરાત યુનિવર્સિટી સત્તાવાળાઓએ જણાવ્યું હતું.

આ પહેલાં મંગળવારે યુનિવર્સિટીના મુખ્ય ટાવરમાં હાઈ પાવર ઇલેક્શન કમિટીની બેઠક મળી હતી, જેમાં કમિટિના સભ્યોએ વિદ્યાર્થી સંગઠનો વચ્ચે મતદાર યાદીના મુદ્દે સર્જાયેલી મૂંઝવણને દૂર કરી હતી.

આ ઉપરાંત ચૂંટણીલક્ષી કામગીરીમાંથી કર્મચારીઓએ રાજીનામું આપી દેતાં ચૂંટણી યોજાશે કે કેમ? તે બાબતે સર્જાયેલા પ્રશ્નાર્થની વચ્ચે કમિટીના સભ્યોએ તમામ કર્મચારીઓને પોલીસનું રક્ષણ આપવા સહિતની બાંયધરી આપતાં તેઓ રાજીનામું પાછું ખેંચવા માટે સંમત થયા હતા. ઉપરાંત વિદ્યાર્થી સેનેટ અને બોર્ડ ફોર સ્ટુડન્ટ વેલ્ફેર ચૂંટણી માટે મતદાર યાદીની બુધવારે જાહેરાત કરવાનું નક્કી કરાયું હતું.

ઉલ્લેખનીય છે કે અમદાવાદ ભીમ રથયાત્રા સમિતિએ પણ મંગળવારે બપોરે વિદ્યાર્થી સેનેટ અને બોર્ડ ફોર સ્ટુડન્ટ વેલ્ફેરની ચૂંટણીમાં અનામત નીતિનું પાલન ન થતું હોવાથી તેના પાલનની માગણી અંગે કુલપતિને રજૂઆત કરી હતી.

22 વિદ્યાર્થીને ટેબ્લેટ ન અપાતા વિવાદ

સી. એલ. કોમર્સ કોલેજમાં ટેબ્લેટ દીઠ રૂ. 1100 લીધા પછી 22 વિદ્યાર્થીને ટેબ્લેટ ન અપાતાં વિવાદ થયો છે. એબીવીપીએ રજૂઆત કરી કે, શેઠ સી. એલ. કોમર્સ કોલેજના 22 જેટલા વિદ્યાર્થીઓ પાસેથી યુનિવર્સિટી કક્ષાએ ટેબ્લેટદીઠ રૂ. 1100 લીધા પછી તેમને ટેબ્લેટ અપાયાં નથી. આ અંગે એબીવીપીએ યુનિવર્સિટીમાં હોબાળો કર્યો હતો. આથી યુનિવર્સિટી સત્તાવાળાઓએ કોલેજમાં ટેબ્લેટ આપી દીધા છતાં વિદ્યાર્થીઓને તે ન મળતાં કોલેજ સત્તાવાળાઓને પૂછપરછ માટે બુધવારે કોલેજમાં બોલાવાયા છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/36zB8W3

Comments