ગોએરની અમદાવાદથી જયપુર જતી ફ્લાઈટમાં ટેકઓફ વખતે જ 2 કબૂતર ઊડ્યાં

અમદાવાદ: તમે હવાઈ મુસાફરી કરતા હોઉ તો ફ્લાઈટને બર્ડહિટ અંગે તમે સાંભળ્યું જ હશે. પરંતુ શુક્રવારે અમદાવાદથી જયપુર જતી એક ફ્લાઈટમાં વિચિત્ર ઘટના જોવા મળી. વાસ્તવમાં ગોએરની ફ્લાઈટ જી8-702 અમદાવાદથી જયપુર જતી હતી. ફ્લાઈટ સાંજે 4.30 વાગ્યે એપ્રન પર લાવવામાં આવી. પ્રત્યેક પેસેન્જર વિમાનમાં બેસી ગયા હતા અને ફ્લાઈટનો ગેટ પણ બંધ કરી દેવામાં આવ્યો હતો. એ પછી ફ્લાઈટ સાંજે 4.50 વાગ્યે ટેક ઓફ માટે રન વે પર આવવાની તૈયારીમાં હતી ત્યાં જ એક પેસેન્જરે હેન્ડ બેગ મૂકવા માટે લગેજ શેલ્ફ ખોલી. સૌના આશ્ચર્ય વચ્ચે શેલ્ફમાંથી બે કબૂતર નીકળ્યાં હતાં.

કબૂતરે એરલાઈન્સની વ્યવસ્થાની પોલ ખોલી નાખી
ફ્લાઈટમાં કબૂતરને જોઈ બધા પેસેન્જર આશ્ચર્યમાં મુકાઈ ગયા. કબૂતર આખી ફ્લાઈટમાં એક છેડેથી બીજા છેડે ઊડવા લાગ્યું અને પેસેન્જર તેને પકડવાના પ્રયાસોમાં લાગી ગયા હતા. આખરે ક્રૂ મેમ્બર્સે પેસેન્જરોને શાંતિ રાખવા અપીલ કરી. એરલાઈન્સના સ્ટાફે ગ્રાઉન્ડ સ્ટાફને સમગ્ર ઘટનાની જાણ કરી. અંતે ફ્લાઈટનો ગેટ ખોલવામાં આવ્યો અને ભારે પ્રયત્નો પછી બંને કબૂતર બહાર કાઢવામાં આવ્યા. આ ઘટનાએ એરલાઈન્સની વ્યવસ્થાની પોલ ખોલી નાખી. ફ્લાઈટ આખરે સાંજે 6.45ના તેના નિર્ધારિત સમયને બદલે સાંજે 7.15 વાગ્યે જયપુર એરપોર્ટ પહોંચી.
ફ્લાઈટની અંદર ભારે હંગામો મચી જવા પામ્યો
એક પેસેન્જરે કહ્યું, ફ્લાઈટ એરોબ્રિજ નંબર 2 સાથે કનેક્ટ હતી. પેસેન્જર બેસી ગયા પછી એરોબ્રિજ ગેટ પરથી હટાવી લેવાયું હતું અને ફ્લાઈટ રનવે પર જવાની તૈયારીમાં હતી ત્યારે જ આ ઘટના બની હતી. પેસેન્જરોમાં કબૂતરો ક્યાંથી ઘૂસ્યા તેની ચર્ચા ચાલી હતી. જોકે સ્થિતિની ગંભીરતા જોતા ક્રૂ મેમ્બર્સે પાઈલટને જાણ કરી ફ્લાઈટના દરવાજા ખોલી નાખ્યા હતા. જોકે થોડા સમય માટે તો ફ્લાઈટની અંદર ભારે હંગામો મચી જવા પામ્યો હતો.
18મીએ બર્ડહિટથી બેંગલુરુ જતી ગોએરની ફ્લાઈટમાં ટેકઓફ પહેલાં આગ લાગી હતી
અમદાવાદ એરપોર્ટ પર 10 દિવસ પહેલા જ 18 ફેબ્રુઆરીએ અમદાવાદથી બેંગલુરુ જતી ગોએરની જ ફ્લાઈટ સાથે બર્ડહિટ થયું હતું. જેના કારણે ફ્લાઈટનું એન્જિન ક્ષતિગ્રસ્ત થતાં તેમાંથી ઈંધણ ટપકવા માંડ્યું હતું. આ ઘટનાને પગલે ફ્લાઈટ ટેકઓફ કરે તે પહેલા જ તેમાં આગ લાગી હતી. જો કે ફાયર બ્રિગેડે સમયસર આગ બુઝાવી દેતા મોટી દુર્ઘટના ટળી હતી.
નોનવેજની હાટડીઓને કારણે પક્ષી આવે છે
અમદાવાદ એરપોર્ટની આજુબાજુના વિસ્તારોમાં નોનવેજની સંખ્યાબંધ હાટડીઓ આવેલી છે. તેની સાથે જ કોતરપુર વોટર વર્કસ ખાતે વૃક્ષો વધુ હોવાથી અહીં પક્ષીઓની સંખ્યા વધુ છે. જેના કારણે બર્ડહિટ જેવી ઘટના થવાની શક્યાતા હંમેશાં હોય છે. આ સ્થિતિમાં પક્ષીઓને રનવે પરથી ભગાડવા માટે વિશેષ કર્મચારીઓ તહેનાત કરવામાં આવ્યા છે. જેઓ એરોગનથી ફાયરિંગ કરી, ફટાકડા ફોડી કે અન્ય અવાજ દ્વારા પક્ષીઓને ઉડાવતા રહે છે. વાંદરા ભગાડવા માટે પણ એરપોર્ટ ઓથોરિટી માનવીને રીંછનો પહેરવેશ પહેરાવી દોડાવે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
અમદાવાદથી જયપુર જતી ફ્લાઈટમાં કબૂતર ઉડ્યા.
વિમાનમાં ઉડતું કબૂતર.


from Divya Bhaskar https://ift.tt/385eSnX

Comments