રોંગ સાઈડ, ઓવર સ્પીડે વાહન ચલાવો અને લાઈસન્સ સસ્પેન્ડ થાય તો થર્ડ પાર્ટી પ્રીમિયમ વધારે ભરવું પડશે

મિતેશ બ્રહ્મભટ્ટ, અમદાવાદ: બીજા વાહનચાલકો અથવા તો રાહદારીઓનો જીવ જોખમમાં મુકાય તે રીતે ભયજનક વાહન ચલાવતા લોકો માટે ટ્રાફિક પોલીસે વધુ કડક કાયદા બનાવવા જઇ રહી છે. રોંગ સાઈડ ડ્રાઈવિંગ કરતા, ઓવર સ્પીડમાં વાહન ચલાવતા તેમજ સ્ટંટ કરતા વાહનચાલકોના લાઈસન્સ તો 3 મહિના માટે સસ્પેન્ડ કરાય છે. આ ઉપરાંત તેમણે બીજા વાહનચાલકો કરતાં થર્ડ પાર્ટી વીમાની રકમ વધુ ભરવી પડશે.
ભયજનક ડ્રાઈવિંગ કરનારાના લાઈસન્સ રદ કરાયા પછી તેમના નામ-સરનામા, વાહન નંબર અને વાહનનો પ્રકાર આરટીઓને મોકલી અપાશે. વાહનમાલિક વીમો રિન્યૂ કરાવે ત્યારે તેમણે વધુ થર્ડ પાર્ટી પ્રીમિયમ ભરવું પડશે.
ગુરુવારે મળેલી ટ્રાફિક પોલીસના ઉચ્ચ અધિકારીઓની બેઠકમાં અકસ્માતોના કારણો પર ચર્ચા કરવામાં આવી હતી.બેઠકમાં એવું તારણ નીકળ્યું હતું કે, રોંગ સાઈડ ડ્રાઈવિંગ, ઓવર સ્પીડમાં ડ્રાઈવિંગ તેમજ રોડ ઉપર સ્ટંટ અથવા તો ભયજનક રીતે વાહન ચલાવતા લોકો અકસ્માત માટે જવાબદાર હોય છે.
જેથી અકસ્માતો ઘટાડવા પોલીસે વધારે ટ્રાફિક સિગ્નલ લગાવવાનું, બમ્પ બનાવવાનું, ડિવાઈડર લગાવવાનું તેમજ કટ ઓછા કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
આવા કિસ્સામાં ભયજનક રીતે વાહન ચલાવનાર દ્વારા સામે વાળી વ્યક્તિને વધારે આર્થિક ફાયદો થાય તે માટે ટ્રાફિક પોલીસે ભયજકન રીતે વાહન ચલાવનારા લોકોનું લાઈસન્સ કેન્સલ કરીને તેમની પાસે થર્ડ પાર્ટી વીમો વધારે રકમનો લેવડાવશે. આ માટે ટ્રાફિક પોલીસે પ્રપોઝલ તૈયાર કરી દીધી છે અને ટૂંક જ સમયમાં આ પ્રપોઝલ સરકાર સમક્ષ મૂકવામાં આવશે.
ભોગ બનનારાને વધુ વળતર આપવાનો હેતુ
અકસ્માતના કિસ્સામાં સામે વાળો મૃત્યુ પામે તો તે વ્યક્તિની વાર્ષિક આવક અને તેની પૈસા કમાવવાની વય મર્યાદા નક્કી કરીને વીમા કંપની વળતર ચૂકવે છે. થર્ડ પાર્ટી વીમો વધારે રકમનો હશે તો અકસ્માતના કિસ્સામાં સામે વાળી વ્યક્તિને વધુ આર્થિક વળતર મળશે.
6 માસમાં 550 લોકોના લાઈસન્સ 3 મહિના રદ
6 મહિનામાં અમદાવાદના રોડ પર ભયજનક રીતે વાહન ચલાવતા 550 વાહનચાલકોના લાઈસન્સ 3 મહિના માટે રદ કરાયા છે. જેમાં રોંગ સાઈડમાં વાહન ચલાવનાર, ઓવર સ્પીડમાં વાહન ચલાવનાર તેમજ રોડ ઉપર સ્ટંટ કરનારનો સમાવેશ થાય છે.
હાલ 1500 દંડ ઉપરાંત લાઈસન્સ રદ થાય છે
અત્યારે ટ્રાફિક પોલીસ ભયજનક રીતે વાહન ચલાવનારા પાસેથી સ્થળ પરથી જ રૂ.1500 દંડ વસૂલ કરે છે અને તેમને મેમો આપે છે. વાહનચાલકનું ડ્રાઈવિંગ લાઈસન્સ પણ લઇ લે છે અને તેનો રિપોર્ટ તૈયાર કરીને લાઈસન્સ રદ કરવાની દરખાસ્ત આરટીઓને મોકલે છે.
આરટીઓ વીમા કંપનીને જાણ કરશે
હવેથી જે પણ વાહનચાલકનું લાઈસન્સ 3 મહિના માટે રદ થાય, તેના નામ, સરનામા, વાહન નંબર, વાહનના પ્રકાર સાથેનો રિપોર્ટ આરટીઓ દ્વારા વીમા કંપનીઓને મોકલી અપાશે. જેના આધારે તે વાહન ચાલક જ્યારે વીમો રિન્યૂ કરાવે ત્યારે તેમને થર્ડ પાર્ટી વીમો વધારે રકમનો લેવો પડશે, જેનું પ્રીમિયમ પણ વધારે ભરવું પડશે.
લોકોએ ટ્રાફિકના નિયમ તોડી ગત વર્ષે 19.29 કરોડ દંડ ભર્યો

ગુનો કેસ દંડ
હેલ્મેટ 6.29 લાખ 7.24 કરોડ
ગેરકાયદે પાર્કિંગ 3.35 લાખ 5.23 કરોડ
નો સીટબેલ્ટ 1.45 લાખ 2.82 કરોડ
ટ્રાફિક સાઈન ભંગ 62999 96.83 લાખ
ફેન્સી નંબર પ્લેટ 54838 96.83 લાખ
સ્ટોપલાઈન 45283 59.72 લાખ
સિગ્નલ ભંગ 38917 53.05 લાખ
ત્રણ સવારી 35705 35.78 લાખ
ડાર્ક ફિલ્મ 25456 59.17 લાખ


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
રોંગ સાઈડ ડ્રાઇવિંગની ફાઇલ તસવીર.


from Divya Bhaskar https://ift.tt/32x10S8

Comments