કાચિંડો ખાવા જતાં ગળામાં અટક્યો, માદા ઘોરાડ પક્ષીનો જીવ નીકળી ગયો

લાખોંદ: ગાંધીનગર ખાતે સંયુક્ત રાષ્ટ્રસંઘ આયોજિત સીએમએસ કોપ-13 હજુ પૂરી જ થઇ છે અને વૈશ્વિક સ્તરે જેના સંરક્ષણ માટે કરાર થયા છે, તે વિલુપ્તીના આરે ઉભેલ ઘોરાડ પક્ષીનું નલિયાના ઘાસિયામેદાનમાં ભાનાડા નજીક મોત થયું હતું. જેથી ગુજરાતમાં માત્ર કચ્છમાં વસતા ઘોરાડની વસ્તી અંદાજિત પાંચ જેટલી બચી હોવાનું જાણવા મળ્યું હતું.
મૃત્યુ પામેલી ચાર વર્ષીય માદા ઘોરાડને વર્ષ 2017માં વાઈડલાઈફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા રેડિયો કોલર ટેગ કરવામાં આવી હતી. જેનો મૃતદેહ વનવિભાગે ભાનાડા નજીકથી કબ્જે કરી લેવાયો છે. કાચિંડો ખાતી વેળાએ ગળવા જતા નળી નીચે ન ઉતરતા મોત થયું હોવાનું પ્રાથમિક તારણ વનવિભાગની તપાસમાં બહારે આવ્યું હતું. આઈ.યુ.સી.એન રેડલિસ્ટ મુજબ ઘોરાડ વિલુપ્તીના આરે ઉભેલું પક્ષી જાહેર કરાયું છે, જે હકીકતમાં હવે અનેક ભયસ્થાનોના કારણે વિલુપ્તી તરફ આગળ વધી રહ્યું છે. વૈજ્ઞાનિક અભ્યાસ એમ પણ કહે છે કે, દરવર્ષે 15% ના દરે ઘોરાડની વસ્તી ઘટી રહી છે, અને તેની વૈશ્વિક વસ્તી જ 150 થી ઓછી છે ત્યારે આ અંગે સૌએ ચિંતા કરવાની જરૂર છે.
વૈશ્વિક ઘોરાડ જગતની આ પ્રથમ દુઃખદ ઘટના
ડીસીએફ બી.જે અસારીએ જણાવ્યુ હતુ કે, સામાન્યતઃ ઘોરાડ આ પ્રકારનો ખોરાક ખાતા હોય છે, છતાંય આ કેસમાં કાચિંડો ગળવા જતા ઘોરાડનું મોત નીપજ્યું તે અત્યંત દુઃખદ સાથે વૈશ્વિક ઘોરાડ જગતની આ પ્રથમ ઘટના છે. નલિયા રેન્જ વનવિભાગનો સ્ટાફ સતત ઘોરાડ વિસ્તારને મોનીટરીંગ કરી રહ્યો છે.
નર ઘોરાડ નહિ આવે તો માદાઓનું શું ?
રાજસ્થાનથી કચ્છમાં નર ઘોરાડ લઇ આવવાની વાતો થઈ રહી છે પણ કાંઈ જ કાર્યવાહી થઇ રહી નથી. એકતરફ રાજસ્થાનનો હાલ નર ઘોરાડ આપવાના મૂડમાં નથી ત્યારે અંતિમ તબક્કામાં બચેલી પાંચ માદાઓનું અને ગુજરાતમાં ઘોરાડના અસ્તિત્વનું ભવિષ્ય શું?

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ગળામાં કાચિંડો ભરાઇ જતાં માદા ઘોરાડ પક્ષીનું મોત.


from Divya Bhaskar https://ift.tt/3a9tiop

Comments