રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સત્તાધીશો આંતરિક ખેંચતાણમાં વ્યસ્ત છે ત્યારે ભવનોમાં ‘દલા તરવાડીની વાડી’ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ફિલોસોફી ભવનમાં ગત જૂન-2019માં નિવૃત્ત થયેલા હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ડો.એસ.એસ.શર્માને ખુરશીનો મોહ ન છૂટતો હોય તેમ હજુ પણ દરરોજ વિઝિટિંગ લેક્ચરર તરીકે આવીને હેડની ખુરશી પર અડિંગો જમાવતા હોવાના અને ઘણીવખત ડિપાર્ટમેન્ટ ખોલે છે.
નિવૃતિને આઠ મહિના થયા
ડિપાર્ટમેન્ટ ઓફ ફિલોસોફીમાં અગાઉ હેડ ઓફ ડિપાર્ટમેન્ટ તરીકે ફરજ બજાવતા પ્રોફેસર ડો.એસ.એસ.શર્મા ગત તા.14-6-2019ના રોજ નિવૃત્ત થઇ ગયા હતા. ત્યારબાદ ભવનનો ચાર્જ આસિસ્ટન્ટ પ્રોફેસર ડો.ડી.વી.ચાવડાને સોંપવામાં આવ્યો હતો. ત્યારબાદ ડો.એસ.એસ.શર્માએ ભવનમાં વિઝિટિંગ લેક્ચરર તરીકે પિરિયડ લેવાના શરૂ કરી દીધા છે. ડો.શર્મા હજુ પણ હેડ ઓફ ડિપાર્ટમેન્ટની ઓફિસમાં જ પોતાની ખુરશીમાં બેસે છે અને તેઓ નિવૃત્ત થયાને આઠ મહિના જેટલો સમય વીતી જવા છતાં હજુ સુધી તેના નામનું બોર્ડ પણ દૂર કરાયું નથી.
ટેક્નિકલ બાબત છે: ભવનના વડા
અમારા ભવનમાં વિઝિટિંગને બેસાડવાની વ્યવસ્થા નથી. ડો.શર્મા જે ચેમ્બરમાં બેસે છે તેમાં એન્ટર થાય એટલે જમણી બાજુ મારી મેઇન ચેમ્બર છે. જ્યારે તેમનું બોર્ડ ઉતારવાનો મુદ્દો ટેક્નિકલ હોય તેથી તે બાબતે કઇ રીતે આગળ વધવું તેનું માર્ગદર્શન માગવાનું બાકી છે. - ડો.ડી.વી.ચાવડા, એચઓડી, ફિલોસોફી ભવન
પટાવાળા ન હોય ત્યારે જ ભવન ખોલું છું
મારો વિઝિટિંગ લેક્ચરરનો ઓર્ડર રજિસ્ટ્રારે એક વર્ષ માટે કર્યો છે. સામાન્ય રીતે પટાવાળા ભવન ખોલતા હોય છે પરંતુ તે ન હોય ત્યારે હું ભવન ખોલું છું. - ડો.એસ.એસ.શર્મા, નિવૃત્ત વડા
બન્ને બેસતા હોય તે બાબતે તપાસ કરાશે
વિઝિટિંગ લેક્ચરર ભવનના વડાની કચેરીમાં ન બેસી શકે. જો આમ હોય તો તે બાબતે તપાસ કરાશે. તેમજ ભવનમાં નિવૃત્ત વડાની નેમ પ્લેટ હજુ પણ લગાવેલી હોય તો તે પણ દૂર કરાશે. - ડો.આર.જી.પરમાર, રજિસ્ટ્રાર
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/32pJMpE
Comments
Post a Comment