એટલાન્ટાથી આવેલા અમદાવાદના યુવકનો કોરોના રિપોર્ટ બે વાર નેગેટિવ આવ્યો, 17મા દિવસે પોઝિટિવ

મૃગાંક પટેલ, અમદાવાદ: અમદાવાદમાં સોમવારે વધુ એક કેસ પોઝિટિવ મળ્યો છે. મેમનગરમાં રહેતા 39 વર્ષીય યુવક એટલાન્ટાથી પરત આવ્યા બાદ 28 માર્ચે એસવીપીમાં દાખલ કરવામાં આવ્યો છે. જ્યાં તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. અમદાવાદનો આ પહેલો કેસ છે જેમાં 17મા દિવસે કોરોના પોઝિટિવ હોવાનો રિપોર્ટ આવ્યો છે. અગાઉ બે વખત આ યુવકના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. ગાઈડલાઈન મુજબ કોરોનામાં ઈન્ક્યુબેશન પિરિયડ 14 દિવસનો છે.ત્યારે 17મા દિવસે યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવતા મ્યુનિ. હેલ્થ વિભાગના અધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા અને 14 દિવસના ઈન્ક્યુબેશન પિરિયડની વાતનો છેદ ઉડી ગયો છે.
28 માર્ચે વધુ તાવ આવતાં એસવીપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો
મેમનગર વિસ્તારમાં રહેતા 39 વર્ષીય યુવક 11 માર્ચે અમદાવાદ આવ્યો હતો. ત્યારબાદ તે હોમ ક્વોરન્ટાઈન હેઠળ હતો. તે દરમિયાન તેને તાવ, શરદી સહિતના લક્ષણો જોવા મળ્યા હતા. જો કે, જે-તે સમયે મ્યુનિ. હેલ્થ વિભાગ દ્વારા તેના નમૂના લેવામાં આવ્યા હતા. 14 દિવસમાં બે વખત લીધેલા નમૂનાના પરીક્ષણમાં તેનો રિપોર્ટ નેગેટિવ જાહેર થયો હતો. પરંતુ 28 માર્ચે વધુ તાવ આવતાં તેને એસવીપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને સોમવારે તેનો રિપોર્ટ પોઝિટિવ આવતાં તેના પરિવારના 6 સભ્યો અને તેની સાથે કામ કરતાં 4 લોકો મળી કુલ 10ને ક્વૉરન્ટીન હેઠળ મૂકી દેવામાં આવ્યા છે.
વિદેશથી આવેલાએ પેરાસિટામોલથી તાવના લક્ષણો દબાવ્યાની શંકા
અમદાવાદમાં વિદેશથી અંદાજે 4 હજાર લોકો છેલ્લા 20 દિવસમાં આવ્યા છે. આ પૈકીના સંખ્યાબંધ લોકો હોમ ક્વોરન્ટાઈનમાં છે. પરંતુ વિદેશથી આવેલા સંખ્યાબંધ લોકો જ્યારે અહીં આવ્યા ત્યારે પેરાસિટામોલથી તાવના લક્ષણો દબાવી રાખ્યા હોવાની મ્યુનિ. હેલ્થ વિભાગને આશંકા છે. જેને પગલે હવે ઘેર-ઘેર સરવેની પણ કામગીરી શરૂ કરવામાં આવી છે. સામાન્ય રીતે કોરોનાની ગાઈડ લાઈન્સ મુજબ કોઈપણ દર્દીને 14 દિવસ સુધી તાવ, શરદી, ખાંસી કે અન્ય લક્ષણો ન દેખાય તો કોરોના ન હોવાનું માનવામાં આવે છે. પરંતુ પેરાસિટામોલ લઈને તાવના લક્ષણો દબાવી રાખ્યા હોય તો 14 દિવસનો ઈન્ક્યુબેશન પિરિયડ પૂરો થયા પછી પણ કોરોનાના લક્ષણો જોવા મળી શકે છે તેવું હેલ્થ વિભાગના અધિકારીઓનું કહેવું છે.
અમદાવાદનો ચેપ રાજકોટમાં ફેલાયો
મૂળ રાજકોટના અને અમદાવાદમાં નોકરી કરતાં 28 વર્ષીય યુવક લૉકડાઉનના કારણે રાજકોટ પરત ગયો હતો. તેને કોરોનાનો ચેપ લાગેલો હતો. રાજકોટ ગયા પછી આ યુવક તેના પિતરાઈને મળતાં તેને પણ ચેપ લાગ્યો હતો. રાજકોટની હોસ્પિટલમાં પિતરાઈને દાખલ કરતાં તેનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર.


from Divya Bhaskar https://ift.tt/2Us4qDf

Comments