કોવિડ-19 મોબાઇલ ટ્રેકરથી સુરતમાં 4209 લોકોનું દર કલાકે લોકેશન ચેકિંગ, કોઈ ઘરમાંથી બહાર નીકળે એટલે પાલિકામાં એલાર્મ વાગે છે

સુરતઃ સમગ્ર રાજ્યમાં સુરતમાં હોમ ક્વોરનટાઇનની સંખ્યા સૌથી વધુ નોંધાઇ છે. સુરત મહાનગર પાલિકાએ હોમ ક્વોરનટાઇન પર ઓનલાઇન મોનિટરીંગ માટે તૈયાર કરેલી એપનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. કોવિડ-19 મોબાઇલ ટ્રેકરથી સુરતમાં 4209 લોકોનું દર કલાકે લોકેશન ચેકિંગ કરાઈ રહ્યું છે. આ લોકોમાંથી જો કોઈ ઘરમાંથી બહાર નીકળે એટલે પાલિકાના સ્માર્ટ સિટી કંટ્રોલ રૂમમાં એલાર્મ વાગે છે. દરમ્યાન આજે રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિએ સુરત મહાનગર પાલિકાની આ સિસ્ટમના વખાણ કર્યા હતા અને રાજ્યના ચાર મેગા શહેર અને તમામ જિલ્લામાં આ સિસ્ટમનો ઉપયોગ કરવા માટે શનિવારે ચર્ચા કરવાની જાહેરાત કરી હતી.

એપ માટે ગુગલ-આઇફોનનું એપ્રુવ ન મળતાં પાલિકાની વેબ પર જ લીંક તૈયાર કરી
કોરોના વાયરસના કેસ વધવાના શરૂ થતાં ગુજરાત સહિત સમગ્ર દેશને લોકડાઉન કરી દેવામાં આવ્યું હતું. બીજી તરફ સુરતમાં પણ અચાનક કોરોના ના કેસ વધવા લાગ્યા હતા. સાથે હોમ ક્વોરનટાઇનમાં રહેનારાઓની સંખ્યા પણ ખૂબ જ ઝડપથી વધવા લાગી હતી. જેથી વિચાર આવ્યો કે હોમ ક્વોરોન્ટાઇનમાં રહેનારાઓની હેલ્થ અને લોકેશનની માહિતી ટેકનોલોજીના માધ્યમથી ઘર બેઠા કઇ રીતે મળી શકે તેનું મંથન કરવામાં આવ્યું. કારણ કે હોમ ક્વોરનટાઇનમાં દરેકના ઘરે વન ટુ વન માણસ તો મુકી ન શકાય. જેથી પાલિકાની જીપીએસ ટ્રેકીંગ, ડોર ટુ ડોર ગાર્બેજ ટ્રેકિંગ સહિતની સિસ્ટમનો ઉપયોગ કરી એક એપ્લીકેશન બનાવવાનો વિચાર આવ્યો. પરંતુ પાલિકા માટે સૌથી મોટી ચેલેન્જ એ હતી કે યુએસમાં કોરોનાને લઇ સ્થિતિ ખૂબ જ ખરાબ હતી. જેથી ગુગલ તથા આઇફોન દ્વારા આ એપ એપ્રુવ મળે તેમ ન હતું. જેથી પાલિકાની વેબસાઇટ ઉપર જ લિંક મારફતે આખી એપ ડેવલપ કરવાનું નક્કી કરાયું. સમગ્ર એપ તૈયાર કરવામાં ત્રણ દિવસનો સમય લાગ્યો. જેને ડેવલપ કરવામાં 15 જેટલા કર્મચારીઓનો સહયોગ રહ્યો હતો. - જીગર.એચ.પટેલ, કોમ્પ્યુટર ઇજનેર, પાલિકા

આ રીતે કામ કરે છે એપ
વિદેશથી આવેલા યાત્રીઓની જાણકારી મળી રહે તે માટે suratmunicipal.gov.in વેબસાઇટ પર સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ સબમીટ કરાવવામાં આવી રહ્યા છે. આ સાથે 1800 123 800 હેલ્પ લાઇન નંબર પર શંકાસ્પદ ટ્રાવેલર ની માહિતી મેળવાઇ રહી છે. તેમજ પાલિકા પાસે એરપોર્ટ ઓથોરીટીનાં માધ્યમથી સુરતમાં વિદેશથી આવનારા યાત્રીઓની માહિતી છે. આ તમામ યાત્રીઓનો અલગથી યુનિક ટ્રેકર આઇડી બનાવીને મોબાઇલ નંબરના આધારે ઓટીપી આપી smc covid 19 ટ્રેકર મોબાઇલ એપ ડાઉનલોડ કરવા લિંક મોકલવામાં આવે છે. આ એપથી દર કલાકે હોમ ક્વોરન્ટાઇનને પુશ નોટિફિકેશન મોકલીને લોકેશન મંગાવાઇ છે. લોકેશન ન મોકલેતો જીપીએસ ટ્રેકિંગનો ઉપયોગ કરી લોકેશન ટ્રેસ આઉટ કરાય છે. સવારે 10 અને રાતે 9 વાગે એમ બે વાર તેઓનો હેલ્થનો રિપોર્ટ મળે છે. આમ દર કલાકે હોમ ક્વોરન્ટાઇનમાં રહેનારાના લોકેશન મળી રહે તથા હેલ્થ ચેકઅપની માહિતી તથા ફોટોના માધ્યમથી દર્દીની હેલ્થની સ્થિતિ સરળતાથી જાણી શકાય છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
જીગર.એચ.પટેલ, કોમ્પ્યુટર ઇજનેર, પાલિકા - ફાઇલ તસવીર


from Divya Bhaskar https://ift.tt/2UIieZ7

Comments