આસ્ટોડિયાની મહિલા દાખલ કર્યાના 2 દિવસમાં કોરોનાથી મૃત્યુ પામી, લોકોએ કબ્રસ્તાનમાં દફનાવવાનો વિરોધ કર્યો

અમદાવાદઃ અમદાવાદમાં કોરોના વાઈરસને કારણે આસ્ટોડિયાની 46 વર્ષની એક મહિલાનું મૃત્યુ થયું હતું. જ્યારે શનિવારે વધુ ત્રણ કેસ પોઝિટિવ આવ્યા હતા. આ મહિલાએ વિદેશ પ્રવાસ કર્યાની કોઈ હિસ્ટ્રી નથી. અર્થાત્ મહિલાને કોરોનાનો ચેપ સ્થાનિક સ્તરેથી જ લાગ્યો હોવાનું મનાય છે. મ્યુનિસિપલ કોર્પોરેશન હાલ મહિલાને ચેપ કેવી રીતે લાગ્યો તેની તપાસ કરી રહ્યું છે. મહિલાને 26 માર્ચે એસવીપીમાં દાખલ કરવામાં આવી હતી અને બે દિવસમાં જ તેનું મૃત્યુ થયું છે. શ્વાસ લેવામાં તકલીફને કારણે તરત વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી. મહિલા હાયપર ટેન્શન અને ડાયાબિટીસથી પીડાતી હતી. શનિવારે જે ત્રણ પોઝિટિવ કેસ આવ્યા તેમના સંપર્કમાં આવેલા 40ને ક્વોરન્ટાઈનમાં મુકાયા છે.

દાણીલીમડા પાસેના કબ્રસ્તાનમાં દફનાવી
આસ્ટોડિયાની મહિલાની દફનવિધિ બહેરામપુરાના છીપા કબ્રસ્તાનમાં કરવા ગયા ત્યારે ટોળા ભેગા થઈ ગયા હતા અને વિરોધ કર્યો હતો. અંતે મ્યુનિ.એ દાણીલીમડા ચાર રસ્તા પાસેના કબ્રસ્તાનમાં અંતિમવિધિ કરી હતી. દરમિયાન સરખેજના 70 વર્ષના પુરુષ સગાંની ખબર કાઢવા ઈન્દોર ગયા હતા ત્યાંથી આવ્યા પછી તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે ગુલબાઈ ટેકરાનો 33 વર્ષનો યુવક અમેરિકાથી આવેલા મિત્રને મળ્યો હતો અને એ પછી શ્રીલંકાથી આવેલા તેના બે ભાગીદારને મળ્યો હતો.

દફનવિધિ માટે 10 ફૂટ કબર ખોદવામાં આવી
મહિલાની દફનવિધિ માટે 10 ફૂટ ઊંડો ખાડો ખોદવામાં આવ્યો હતો. તેમજ તેના પરિવારજનોને પણ મહિલાના મૃત શરીર પાસે જવા દેવામાં આવ્યા ન હતા. તબીબો અને એસવીપી હોસ્પિટલના સ્ટાફના સભ્યો દ્વારા જ આ સંપૂર્ણ દફન વિધિ કરવામાં આવી હતી. તેમાં પણ મહિલાના મૃત શરીરને પ્લાસ્ટિકની બેગમાં લપેટીને લાવવામાં આવ્યું હતું. સાથે તે બેગમાં કેટલાક ચીજો એવી પણ મૂકવામાં આવી હતી જેથી તેનું બોડી જલદીથી ડીસ્પોઝ થઇ શકે. મહિલાના મૃત શરીરને 10 ફૂટ ઉંડા ખાડામાં ઉતાર્યા બાદ તેના પર માટી નાંખી દેવામાં આવી હતી.

ઈમરજન્સીને પહોંચી વળવા તૈયારી
અમદાવાદ મ્યુનિ. સંચાલિત એસવીપી હોસ્પિટલ, એલજી હોસ્પિટલ, શારદાબેન હોસ્પિટલમાં કોરોના માટે વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ સંજોગોમાં તમામ હોસ્પિટલમાં હાલ કાર્યરત 250 જેટલા વેન્ટિલેટર સજ્જ છે. મ્યુનિ. દ્વારા આ તમામ વેન્ટિલેટર હાલ આવશ્યકતાં પ્રમાણે કોરોના માટે અનામત કક્ષામાં મૂકવામાં આવ્યા છે. જો અન્ય દર્દીને જરૂરિયાત હોય તો તે આપવામાં આવે છે. જોકે હાલ તંત્રની સંપૂર્ણ પ્રાથમિકતા માત્ર કોરોનાને લગતી છે. મ્યુનિ. દ્વારા ખરાબ હાલતમાં હોય તેવા વેન્ટિલેટર પણ હાલ તૈયાર કરી લેવામાં આવ્યા છે.

વેન્ટિલેટર વગર દર્દીનું મોત નીપજી શકે છે
કોરોનાના દર્દીને શ્વાસમાં સૌથી વધુ તકલીફ પડતી હોય છે. ફેફસાંમાં ઈન્ફેક્શનને કારણે દર્દીની હાલત અત્યંત ઝડપથી કથળતી હોય છે. કોરોનાના મોટાભાગના કેસમાં વેન્ટિલેટરની જરૂરિયાત ઊભી થતી હોય છે. જો વેન્ટિલેટર ન મળે તો દર્દીનું મૃત્યુ પણ થઈ શકે છે. હાલ ભારત સરકારે પણ તમામ હોસ્પિટલોને શક્યતા તેટલા વધુ વેન્ટિલેટરની વ્યવસ્થા કરવાની સૂચના આપી દીધી છે. કેટલીક સરકારી ફેક્ટરીઓને પણ વેન્ટિલેટર સહિતની સારવાર સામગ્રી તૈયાર કરવા કહેવામાં આવ્યું છે.

શહેરમાં 3 ખાનગી લેબોરેટરીને કોરોનાના ટેસ્ટિંગની મંજૂરી
ખાનગી હોસ્પિટલમાં પણ જો કોઇ તબીબને જણાય કે, દર્દીનો કોરોના ટેસ્ટ કરવો આવશ્યક છે, તો તેવી સ્થિતિમાં સરકારી ઉપરાંત ખાનગી લેબોરેટરીમાં પણ તેઓ ટેસ્ટ માટે દર્દીને મોકલી શકે છે. શુક્રવારે જ 40 જેટલા લોકોએ આ રીતે ખાનગી લેબોરેટરીમાં પોતાનો ટેસ્ટ કરાવ્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળે છે. ખાનગી લેબોરેટરીનો વ્યક્તિ રૂ. 1000નો પીપીઇ સ્યૂટ પહેરીને દર્દીની તપાસ કરી તેના સેમ્પલ લે છે. સરકાર દ્વારા અમદાવાદની 3 અને સુરતની 1 મળીને કુલ 4 જેટલી ખાનગી લેબોરેટરીને કોરોના ટેસ્ટ માટેની મંજુરી આપવામાં આવી છે. જે મંજુરી બાદ હાલ અમદાવાદ શહેરમાં માત્ર સુપ્રાટેક લેબોરેટરી જ પોતાનું કોરોના ટેસ્ટિંગની કામગીરી ચાલુ કરી શકી છે.

સેમ્પલ લીધા પછી પીપીઈ કિટ નષ્ટ કરવામાં આવે છે
અમે સરકારી ધોરણોનો અમલ કરીએ છીએ. અમે દર્દીના સગાને લેબોરેટરી પર બોલાવી દર્દીની પૂરતી માહિતી મેળવીએ છીએ. દર્દીને ક્વોરન્ટાઈનમાં રાખવા સૂચના અપાય છે. અમારા કર્મચારી એક કાળી બેગમાં પીપીઇ કીટ (જેમાં માસ્ક, ફુલ બોડી કવર સ્યૂટ, કેપ સહિતની અન્ય ચીજો હોય છે) સાથે દર્દીના ઘરે જાય છે. પરત આવી આ પીપીઇ કિટને કેમિકલથી નષ્ટ કરી નાંખવામાં આવે છે. જે બાદ લેબોરેટરીમાં સેમ્પલની તપાસ કરવામાં આવે છે. - ડો. સંદિપ શાહ, એમ.ડી., સુપ્રાટેક

ક્વોરન્ટાઇન પૂરો કરનારના ઘર બહાર ગ્રીન સ્ટિકર લાગ્યાં
શહેરમાં હોમ કવોરન્ટાઇનમાં રખાયેલા લોકોએ 14 દિવસ વિતાવતાં મ્યુનિ.અે તેમના ઘર બહાર ગ્રીન સ્ટિકર ચોંટાડવાનું શરૂ કર્યું છે. લોકો જાણી શકે કે આ પરિવારે ક્વોરન્ટાઈનનો સમય પૂરો કર્યો છે. તે માટે આ નિર્ણય લેવાયો હતો. ગ્રીન સ્ટિકર લગાડવાનો હેતુ નાગરિકોને ખબર પડે કે, આ પરિવારે હોમ ક્વોરન્ટાઇનનો પીરિયડ પૂર્ણ કર્યો છે જેથી પડોશીઓ પણ ડર રાખે નહીં અને લોકોમાં ગેરસમજ થતી દૂર કરવા આ પગલું ભરવામાં આવ્યું છે.

ભીડ ટાળવા શાકની લારીઓ દૂર કરવામાં આવી
લોકડાઉનને પગલે તમામ લોકોને ઘરની બહાર નીકળવાની મનાઈ છે. તેમ છતાં શાકભાજીની અનેક લારીઓ રોડ પર ઉભી રાખવામાં આવી રહી છે. જેના કારણે મોટી સંખ્યામાં મહિલાઓ શાક લેવા રોડ પર નીકળી પડે છે. તંત્ર દ્વારા સતત લોકોને ઘરની અંદર રહેવા સૂચના આપવામાં આવી રહી છે અને લોકોને સોસાયટીના નાકે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા શાકભાજી પહોંચાડવામાં આવી રહ્યું છે. તેમ છતાં પોલીસની વારંવારની સૂચના છતાં રોડ પર સવારથી જ ઉભી રહી જતી શાકભાજીની લારીઓ હટાવવા મ્યુનિ. કોર્પોરેશનની દબાણ ખાતાની ટીમ બાપુનગરમાંથી રોડ પર ઉભી લારીઓ ઉઠાવી ગઈ હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
મૃતક મહિલાની દફનવિધિ


from Divya Bhaskar https://ift.tt/2WUrvA7

Comments