કોરોનાથી બચવા માટે ગુજરાતીઓ રોજનો 4500 લિટર ગૌમૂત્ર અર્ક પી રહ્યા છે, બોડી સ્પ્રે પણ બનાવ્યું

શાયર રાવલ, અમદાવાદ: હિન્દુ શાસ્ત્રોમાં ગાયને માતાનું સ્થાન મળ્યું છે અને ગાયના મૂત્રને પવિત્ર ગણવામાં આવ્યું છે. વર્તમાન સમયે જ્યારે દેશ અને દુનિયામાં કોરોનાની મહામારી છે ત્યારે ગુજરાતીઓએ તેમાથી બચવા ગૌમૂત્ર અર્ક નો આશરો લીધો છે. ગુજરાતમાં આશરે 500 ગૌશાળા છે તે પૈકીની ઘણી ગૌશાળા ગૌમૂત્રમાંથી ગૌમૂત્ર અર્ક તૈયાર કરી વેચાણ કરે છે. કોરોના વાયરસની દહેશત વચ્ચે ગૌઅર્કનું સેવન કરતા લોકોની સંખ્યામાં વધારો થયો છે. ગૌસેવા ગતિવિધિ કર્ણાવતી મહાનગર પશ્વિમ વિભાગના ગૌસેવા સંયોજક ગૌતમ બોરીસા રાજ્યની ગૌશાળાના સંપર્કમાં છે.
તેમણે માહિતી આપતા કહ્યું કે, આયુર્વેદમાં ગૌ મૂત્રને અમૃત ગણવામાં આવ્યું છે. વિશ્વમાં કોરોના વાયરસના સંક્રમિત લોકોની સંખ્યા વધી છે ત્યારથી ગૌઅર્કના વેચાણનો વ્યાપ વધ્યો છે. એક અંદાજ મુજબ રાજ્યની ગૌશાળામાં દરરોજ આશરે 2000 લીટર જેટલુ ગૌઅર્ક વેચાણ થતું હતું જે વધીને હવે 4500 લીટર સુધી પહોંચ્યું છે. મોટાભાગની ગૌશાળામાંથી ગૌઅર્કનો સ્ટોક ખાલી થઈ ચૂક્યો છે.
અમદાવાદ જગન્નાથ મંદિરની ગૌશાળાના ડૉ. ભાર્ગવભાઈ પટેલે કહ્યું કે, ગૌશાળામાં દરરોજ આશરે 300 લીટર ગૌમૂત્ર એકત્ર કરી તેમાંથી અંદાજે 150 લીટર જેટલુ ગૌઅર્ક તૈયાર કરાય છે. ગુજરાતમાં લૉકડાઉન થયું તે પહેલા ગૌઅર્કનું વેચાણ ડબલ થયું હતું. ગૌમૂત્રમાંથી તૈયાર થતા ફિનાયલનું પણ વેચાણ વધ્યું છે. બંસી ગીર ગૌશાળાના મહેશભાઈ દેસાઈએ કહ્યું કે, વેચાણ કેન્દ્રમાં દરરોજ સરેરાશ ગૌઅર્કની 20 બોટલનું વેચાણ થતુ હતું, પરંતુ થોડાક દિવસથી તેનું વેચાણ વધી ગયું છે. લૉકડાઉનના આગલા દિવસે 80થી વધુ બોટલો વેચાઈ હતી.
ગૌમૂત્ર અર્કનું મફત વિતરણ શરૂ કરાયું
એસજીવીપી ગુરૂકુળના શાસ્ત્રી સ્વામીએ કહ્યું કે, તેમની ગૌશાળામાં ગૌમૂત્રની બનાવટની જુદીજુદી ચીજવસ્તુઓના વેચાણમાં 30 ટકા જેટલો વધારો થયો છે. ભાભરની જલારામ ગૌશાળા દ્વારા કોરોનાને લઈ ગૌમૂત્ર અર્કનું મફત વિતરણ શરૂ કરાયું છે. બાકરોલ બંસરી ગૌશાળાના રાજુભાઈ પટેલે કહ્યું કે, તેમના વિતરણ કેન્દ્રમાં રોજની સરખામણીએ ગૌમૂત્ર અર્કનું વેચાણ ચારગણુ થયું છે.
ગૌમૂત્ર શ્વસનતંત્ર અને કફના રોગોમાં અસરકારક:આયુર્વેદ નિષ્ણાત
નોંધનિય છે કે, વિશ્વ આખામાં જેટલા લોકો કોરોનાથી મૃત્યુ પામ્યા છે તેમાં મોટા ભાગે વયસ્ક લોકોનો સમાવેશ થયો છે. તેમનું મૃત્યુ શરીરની રોગપ્રતિકારક શક્તિ ઓછી થવાના કારણે થયું હતું. અખંડાનંદ કોલેજના આયુર્વેદ નિષ્ણાત વૈદ્ય ફાલ્ગુન પટેલે કહ્યું કે, ગૌમૂત્ર શ્વસનતંત્ર અને કફના રોગોમાં અસરકારક પરિણામ આપે છે. આ ઉપરાંત ઉધરસ, સોજા, એનીમિયા, કબજિયાત, સ્થૂળતા, ડાયાબિટીસ, ઉદરના રોગોમાં ગૌમૂત્રનું સેવન લાભદાય છે. ગૌમૂત્રમાં શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવાનો ગુણ છે. એલોપેથિ પ્રેક્ટિશનર સિનિયર તબીબ ડૉ. એમ.એસ. અગ્રવાલ કહે છે કે હું પોતે ગૌમૂત્રનું સેવન કરૂં છું અને અત્યાર સુધી હજારો દર્દીઓને ગૌમૂત્ર લેવા એડવાઈઝ કરી છે. ગૌમૂત્ર ઈમ્યુનિટી બિલ્ડઅપ કરવા માટે મદદરૂપ થાય છે. સિનિયર એમ.ડી. ફિઝિશિયન ડૉ. પ્રવિણ ગર્ગ કહે છે કે, ગૌમૂત્રના ફાયદા અથવા ગેરફાયદા અંગે હજૂ કોઈ ઓથેન્ટિક રિસર્ચ થયા નથી માટે હું દર્દીઓને સેવન કરવા એડવાઈઝ કરતો નથી.
ગૌમૂત્ર એકત્ર કરવાની અને સેવન કરવાની પદ્ધતિ
આયુર્વેદની દૃષ્ટિએ ગૌમૂત્રને અસરકારક બનાવવા કેટલાક ચોક્કસ નિયમો છે. સવારે બ્રહ્મ મુહૂર્તમાં આગળનું ગૌમૂત્ર જવાદઈ તાંબુ, કાંસુ કે સ્ટીલના પાત્રમાં ગૌમૂત્રને ઝીલવું જોઈએ. પ્રાચિન શાસ્ત્રોમાં ગૌમૂત્ર ઝીલવા ચાંદી અને સુવર્ણ પાત્રનો ઉલ્લેખ કરાયેલો છે. કુવારી અને બીમાર ન હોય એવી ગાયનું જ ગૌમૂત્ર ઝીલવું જોઈએ. ગર્ભવતી ગાયનું મૂત્ર લઈ શકાતું નથી. એકત્ર કરેલા ગૌમૂત્રમાંથી ગૌઅર્ક તૈયાર કરાય છે. ગૌઅર્કને સુર્યોદય પહેલા અથવા સુર્યોદના એક પ્રહર સુધી ભુખ્યા પેટે લેવામાં આવે તો શ્રેષ્ઠ પરિણામ આપે છે. 100 એમએલ જેટલા પાણીમાં 10 એમએલ ગૌઅર્ક મિશ્રિત કરીને પીવું જોઈએ. ગૌઅર્કને પ્લાસ્ટિકની બોટલમાં સંગ્રહ ન કરવો જોઈએ. તેને કાચની બોટલમાં સંગ્રહ કરવો જોઈએ.
ગૌઅર્કમાંથી સેનેટાઈઝર અને બોડી સ્પ્રે બનાવ્યા
શ્રી સમી ગૌસેવા મંડળ – સમીના પ્રમુખ અને રિસર્ચર લાભશંકરભાઈ રાજગોરે કોરોના વાઈરસની અસરને દૂર કરવા સેનેટાઈઝર અને બોડી સ્પ્રે તૈયાર કર્યા છે. ગૌમૂત્રઅર્કમાં તુલસી, તકમરીયા અને લીમડો નાંખી સેનેટાઈઝર બનાવાય છે. સેનેટાઈઝરમાં સુગંધ માટે ચંદન અથવા ગુલાબ મિશ્રિત કરાય છે. બોડીસ્પ્રે બનાવવા માટે પણ ગૌમૂત્ર અર્ક અને તેમા ગુલાબ અને ચંદન મિશ્રિત કરાય છે. બોડીસ્પ્રેના રિસર્ચને મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરવામાં પણ આવ્યું છે.
સૂરજમલભાઈએ જણાવ્યું હતું કે, તેમણે કોરોના વાઈરસની દહેશતને ધ્યાને રાખી સાળંગપુર હનુમાન મંદિરની ગૌશાળામાંથી ગૌમૂત્ર અર્કની ખરીદી કરી હતી. તે પોતે અને તેમના પત્ની છેલ્લા અઠવાડિયાથી નિયમિત ગૌમૂત્ર અર્કનું સેવન કરી રહ્યાં છે.’

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ગૌમૂત્ર અર્કનું સેવન કરતાં વ્યક્તિ.


from Divya Bhaskar https://ift.tt/39z5BoB

Comments