નરોડામાં રોડ પર પોલીસના સ્વાંગમાં લોકોને દંડા મારનારા યુવકની ધરપકડ

નરોડામાં ફૂડપેકેટ આપવા જતા 4 યુવકને પોલીસની ઓળખ આપીને રોકી દંડાથી માર મારનાર યુવકની પોલીસે ધરપકડ કરી છે. જ્યારે 4 યુવકને પોલીસની ઓળખ આપી દંડાથી માર મારતો હતો ત્યારે અસલી પોલીસ આવી જતાં પોલીસે યુવકની ધરપકડ કરી તેની સામે ગુનો નોંધ્યો હતો.
બાવળાની ફાર્મા કંપનીમાં કામ કરતા યુવકે પોલીસ તરીકે ઓળખ આપી દાદાગીરી કરી
નરોડાની સુરધારા સોસાયટીમાં રહેતા કેતન તેમના મિત્ર દીપક રાવળ, અશોક ઠાકોર અને રણજીત ઠાકોર સાથે સોમવારે બપોરે નરોડા ગામમાં આવેલા ગામોડ શેરીમાં લોકોને ફૂડપેકેટ આપવા જતા હતા. દરમિયાન બાઈક પર એક શખસ તેમની પાસે આવ્યો અને તેમને ઊભા રાખ્યા હતા. બાઇક પર આવેલા શખસે નરોડા પોલીસ સ્ટેશનમાં ડી સ્ટાફમાં નોકરી કરે છે તેમ કહી પૂછપરછ કરવા લાગ્યો હતો, જેથી કેતનભાઈએ જણાવ્યું હતું કે, ‘અમે જરૂરિયાતમંદોને જમવાનું આપવા જઈ રહ્યા છે. તેમ છતા આ શખસે ‘તમે બહાર કેમ નીકળ્યા છો’ તેમ કહી ગાળો બોલવા લાગ્યો હતો. જેથી કેતનભાઈએ તેમને ગાળો બોલવાની ના પાડી હતી અને ‘અમે સેવાનું કામ કરી રહ્યા છે જેથી અમને જવા દો’ તેમ કહેતા ખોટી ઓળખ આપનાર શખસ ઉશ્કેરાઈ ગયો અને દંડા વડે મારવા લાગ્યો હતો, ત્યારે પોલીસની ગાડી ત્યાં આવી પહોંચતા ટોળું વળીને કેમ ઉભા છો તેમ પૂછતા કેતનભાઈએ જણાવ્યું કે, આ ભાઈ પોલીસની ઓળખ આપીને અમને મારી રહ્યો છે, જેથી પોલીસે તેની પાસે આઈકાર્ડ માગતા આઈકાર્ડ મળ્યું ન હતું. જેથી તેની અટકાયત કરીને પોલીસ સ્ટેશન લઈ જઈ પૂછપરછ કરતા તેણે પોતાનુ નામ શિવરાજસિંહ રાજપૂત જણાવ્યું હતું, અને બાવળા ખાતે ફાર્માસ્યૂટિકલ કંપનીમાં નોકરી કરતો હોવાનું જણાવ્યું હતું. આ અંગે નરોડા પોલીસે તેની વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
આઈકાર્ડ માગ્યું તો ધમકી આપી
ચારેય યુુવકને શંકા જતા તેઓએ તેની પાસે પોલીસ હોવાનું આઇકાર્ડ માગ્યું હતું. શરૂઆતમાં તેણે ગલ્લા તલ્લા કર્યા હતા બાદમાં ઉશ્કેરાઇને ચારેયને માર મારવા લાગ્યો હતો. દરમિયાન અસલી પોલીસ આવી જતા નકલી પોલીસનો ફાંડો ફૂટ્યો હતો.
બાપુનગરમાં બહાર નીકળેલાને પકડવા ગયેલી પોલીસ સાથે 2 મહિલાની ઝપાઝપી
બાપુનગરમાં જાહેરનામાના ભંગ કરનારા લોકોને પકડવા ગયેલી પોલીસ સાથે બે યુવક અને બે મહિલાએ ઝઘડો કરી ઝપાઝપી કરી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે પોલીસે ચારેય સામે જાહેરનામાનો ભંગ તથા પોલીસની કામગીરીમાં અવરોધનો ગુનો દાખલ કર્યો છે.
શહેરમાં લોકડાઉન અને 144 કલમ અમલમાં આવી હોવાથી આ જાહેરનામાનો ભંગ કરનાર લોકોને પકડવા માટે પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે બાપુનગર પોલીસને બાતમી મળી હતી કે, લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમ પર કેટલા શખસો ભેગા થયા હતા, જેથી પોલીસે તેમને વીખેરાઈ જવાનો આદેશ આપ્યો હોવા છતાં તે લોકો ત્યાં જ ઉભા રહ્યાં હતા, જેથી પોલીસ તેમને પકડવા ગઈ ત્યારે બે લોકો ભાગી ગયા હતા અને શિવલલા ઉર્ફે શિવમ ગુપ્તા અને રતનલાલ ગુપ્તા પકડાઈ ગયા હતા. જોકે આ બંને શખસોએ પોલીસ સાથે ઝઘડો કરી ‘તમે ખોટી રીતે અમને પકડો છો’ તેમ કહીને ગાળો બોલવા લાગ્યા હતા, દરમિયાન સુધાબેન ગુપ્તા અને સુશીલાબેન ગુપ્તા પણ ત્યાં આવી પહોંચ્યા હતા અને પોલીસના જવાનો સાથે ઝપાઝપી કરવા લાગ્યા હતા.
દરમિયાન પોલીસે કંટ્રોલરૂમમાં મેસેજ કરી મહિલા પોલીસનો સ્ટાફ બોલાવ્યો હતો અને સુધાબેન અને સુશીલાબેનની પણ અટકાયત કરી હતી. પોલીસે પકડેલા શિવલલા ઉર્ફે શિવમ ગુપ્તા, રતન લાલ ગુપ્તા, સુધાબેન અને સુશીલાબેન ગુપ્તા વિરુદ્ધ જાહેરનામાનો ભંગ અને પોલીસની કામગીરીમાં દખલ કરવાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર.


from Divya Bhaskar https://ift.tt/39AX98q

Comments