વડોદરામાં મજૂરોની મદદે પોલીસ આવી, સવારે ચા-નાસ્તો અને બે ટાઈમનું ભોજન પહોંચાડે છે

જીતુ પંડ્યા, વડોદરાઃ 21 દિવસ દેશભરમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જીવલેણ કોરોના વાઇરસની લિંકને તોડવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતમાં લોકડાઉનનું ચૂસ્તપણે પાલન કરાવવામાં આવી રહ્યું છે. જેના કારણે મજૂરો મુશ્કેલીમાં મૂકાઈ ગયા છે. મજૂરો મજૂરી કામ માટે જઇ શકતા નથી. જેમતેમ કરીને બે દિવસ પસાર કર્યા છે, પણ હવે બાકીના દિવસો કેવી રીતે પસાર થશે તે ચિંતા સતાવી રહી છે. જોકે પોલીસે સવારે ચા-નાસ્તો અને બે ટાઇમ જમવાનું પૂરું પાડીને અમોને ચિંતામાંથી મુક્ત કરી દીધા હતા. આ શબ્દો તુલસીવાડી સ્લમમાં રહેતા શંકરભાઇ તડવી અને તેમની પત્ની મંજુલાબહેનના છે.
મજૂરી કામ કરી ગુજરાન ચલાવતા લોકોની હાલત કફોડી બની
શંકરભાઇ તડવીએ જણાવ્યું હતું કે, કોરોના વાઇરસ ઝડપભેર વધતા સરકાર દ્વારા સમગ્ર ગુજરાતને લોકડાઉન કરી દેવામાં આવ્યું હતું. લોક ડાઉન કરવામાં આવતા રોજ મજૂરી કામ, ફેરી ફરીને વિવિધ ચીજવસ્તુઓનું વેચાણ કરીને ગુજરાન ચલાવતા લોકોની હાલત કફોડી બની ગઇ છે. લોક ડાઉનના કારણે સ્લમ વિસ્તારની દુકાનો પણ બંધ થઇ ગઇ છે. પરિણામે નાની-મોટી વસ્તુઓ પણ મળવાનું બંધ થઇ ગયું છે.
ગરીબ પરિવારજનો માટે વડોદરાનું પોલીસ તંત્ર મસિહા બન્યું
સમગ્ર વિશ્વમાં ફેલાયેલી મહામારીના કપરા સમયમાં અમારા જેવા ઝૂંપડાઓમાં રહેતા ગરીબ પરિવારજનો માટે વડોદરાનું પોલીસ તંત્ર મસિહા બન્યું છે. રોજ સવારે ચા તેમજ અમારા બાળકો માટે બિસ્કીટ, ટોસ્ટ જેવી ચિજવસ્તુઓ લઇને આવી રહ્યા છે. તે બાદ 11 વાગે ખીચડી-કઢી, દાળ-ભાત, રોટલી-શાક લઇને આવી પહોંચે છે. તે બાદ અમારી આસપાસમાં આવેલી સોસાયટીના લોકો બપોરના સમયે ચ્હા-નાસ્તો લઇને અમોને આપવા માટે આવી રહ્યા છે. તો વળી રાત્રે પોલીસની ટીમ અથવા તો શહેરમાં આપત્તીના સમયે કામ કરતી સામાજિક સંસ્થાઓ પૈકી કોઇ સંસ્થા જમવાનું લઇને આવી પહોંચે છે.
ભગવાનના રૂપમાં પોલીસ અને સામાજિક સંસ્થાના કાર્યકરોને જોયાઃ રતિલાલ ચૌધરી
તુલસીવાડીમાંજ રહેતા 60 વર્ષના રતિલાલભાઇ ચૌધરીએ જણાવ્યું કે, ઘરમાં હું અને મારી પત્ની સવિતા જ છે. મારી જિંદગીમાં મેં ભગવાન જોયા નથી. સામાન્ય દિવસોમાં તો કોઇને કોઇ જમવાનું આપી જાય તો અમારો દિવસ પસાર થઇ જતો હતો. પરંતુ, જે રોગચાળો ફેલાયો છે. તેમાં કોણ આપવા આવશે. અમોને તેમ લાગતું હતું. ભૂખ્યા રહેવું પડશે. તેમ લાગતું હતું. પરંતુ, ભગવાનના રૂપમાં પોલીસની ટીમ અને સામાજિક સંસ્થાના કાર્યકરો મદદે આવી રહ્યા છે. અને જે સામાન્ય દિવસોમાં જમવાનું નથી. મળતું તેવું હાલમાં અમોને જમવાનું મળી રહ્યું છે.
પોલીસ જવાનો અને નિર્ભયા ટીમ સ્લમ વિસ્તારોમાં ચા-નાસ્તો અને જમવાનું પહોંચાડે છે
વડોદરામાં પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોત અને નાયબ મદદનીશ પોલીસ કમિશનર (વહીવટ) સરોજકુમારીના માર્ગદર્શન હેઠળ વિવિધ પોલીસ મથકના પોલીસ અધિકારીઓ, પોલીસ જવાના અને નિર્ભયા ટીમ દ્વારા સ્લમ વિસ્તારોમાં ચ્હા-નાસ્તો અને જમવાનું પહોંચાડી રહ્યા છે. અને કાયદો અને વ્યવસ્થાની જાળવણી સાથે માનવતાનું કામ કરી રહ્યા છે. મહામારીના આ સંકટમાં સૌ કોઇ ભેદભાવ ભૂલીને માનવતાની સેવામાં કામે લાગી ગયું છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ગરીબ લોકોને ભોજન કરાવતા પોલીસકર્મીઓ


from Divya Bhaskar https://ift.tt/2JgacBF

Comments