લૉકડાઉન તોડશો તો પાસપોર્ટ રદ થશે, સરકારી નોકરી પણ નહીં મળે, પોલીસનું સૌથી કડક પગલું

ગાંધીનગરઃ રાજ્યમાં લૉકડાઉનના ચુસ્ત અમલીકરણ માટે પોલીસ પ્રયાસ કરી રહી છે ત્યારે અનેક શહેરોમાં હજુ પણ યુવાનો દ્વારા કોઇને કોઇ બહાના બતાવીને બહાર નીકળવાના ઢગલાબંધ કિસ્સા બની રહ્યા છે. રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ યુવાનોને ચેતવણી આપતા કહ્યું હતું કે યુવાનો લટાર મારવા બહાર ન નીકળે. આવા યુવાનો સામે પોલીસ ગુનો નોંધીને કાર્યવાહી કરશે અને ગુનો નોંધાશે તો તેમના ઉચ્ચ અભ્યાસમાં વાંધો આવશે. સરકારી નોકરી અને કારકીર્દિ જોખમાશે તેમજ ગુનાઇત ઇતિહાસ ધરાવતા હોવાનું ગણીને તેમનો પાસપોર્ટ પણ કેન્સલ થઇ શકે છે. શિવાનંદ ઝાએ કહ્યું કે રાજ્યના શહેરો અને નગરોમાં ડ્રોન તથા સીસીટીવીના માધ્યમથી ચાંપતી નજર રાખવામાં આવી રહી છે પરંતુ સોસાયટી વિસ્તારોમાં કોમન પ્લોટમાં લોકો એકત્ર થતા હોવાનું ધ્યાને આવ્યું છે.જેથી હવે ડ્રોન દ્વારા સોસાયટીઓના કોમન પ્લોટ ઉપર પણ નજર રાખવામાં આવશે અને તસવીરો મેળવીને લોકડાઉનનો ભંગ કરનાર સામે કાર્યવાહી થશે. વડોદરામાં ડ્રોનના આધારે 5 ગુના દાખલ કરાયા છે. સોશિયલ મીડિયામાં ભડકાઉ વીડિયો કે પોસ્ટ મૂકનાર સામે પણ કાર્યવાહી કરાઇ છે. હાલમાં કોરોના સંક્રમણના ખતરનાક સ્ટેજમાંથી આપણે પસાર થઇ રહ્યા છીએ ત્યારે લોકડાઉનના કડક અમલીકરણ માટે અમે પોલીસને સૂચના આપી છે. તમામ રસ્તાઓ અને હાઇવે સીલ કર્યા છે અને ભંગ બદલ કાર્યવાહી થઇ રહી છે.

વિદેશથી આવેલી કોઈ વ્યક્તિના સંસર્ગને કારણે થયેલા કોરોનાથી મહિલાનું મોત નીપજ્યું
અમદાવાદમાં કોરાના વાઇરસના નવા 3 દર્દીના રિપોર્ટ શનિવારે પોઝિટિવ આવ્યા હતા, જેમાંથી 46 વર્ષીય એક મહિલાનું મોત નીપજ્યું હતું. આસ્ટોડિયાની આ મહિલાની કોઈ વિદેશ ગયાની હિસ્ટ્રી ન હોવાથી તેનું મોત તંત્ર માટે મોટો પડકાર બન્યો છે. સ્થાનિક કોરોના સંક્રમણને કારણે કોઈ મહિલાનું મોત નીપજ્યું હોવાની રાજ્યમાં પ્રથમ ઘટના છે. આસ્ટોડિયામાં રહેતી મહિલા શંકાસ્પદ કોરોના દર્દી તરીકે 26 માર્ચે એસવીપીમાં દાખલ થઈ હતી. મહિલાની હાલત એટલી ગંભીર હતી કે, શ્વાસ લેવામાં તકલીફને કારણે તેને વેન્ટિલેટર પર રખાઈ હતી. મહિલાને હાઈપરટેન્શન અને ડાયાબિટીસ પણ હતું.

44 ટકાને ચેપ લાગ્યો
ગુજરાતમાં અત્યાર સુધીમાં 55 પોઝિટિવ કેસ બન્યા છે. તેમાંથી 24 કેસ એવા છે કે જેમને ચેપને કારણે કોરોના થયો છે. મતલબ 44 ટકા કેસ લોકલ ચેપને કારણે થયા છે. આ એવી વ્યક્તિઓ છે કે જેઓ દેશમાં પણ ભર્યા નથી અને વિદેશમાં પણ ગયા નથી તેમ છતાં તેમને ચેપ લાગતા તેઓ પોઝિટિવ બન્યા હતા. આથી હવે લોકલ ચેપના કેસો વધી રહ્યાં હોઈ તેવું લાગી રહ્યું છે. આથી જ ઘરમાંથી બહાર નહીં નીકળવાની તાકિદ કરાઈ રહી છે.

આઇસોલેશન વોર્ડમાં દર્દીઓની સુવિધા માટે ફ્રીઝ, એસી અને ટીવી દાનમાં મેળવાશે
હોસ્પિટલોના આઇસોલેશન વોર્ડમાં શંકાસ્પદ કેસમાં કે સંક્રમિત તરીકે સારવાર લઇ રહેલા દર્દીઓ માટે ટેલિવિઝન, રેફ્રીજરેટર અને એસી દાનમાં મેળવવામાં આવશે. વિધાનસભાના દંડક પંકજ દેસાઇ આ માટે એલ.જી. કંપની સાથે સંકલન કરી રહ્યા છે. હાલ આવા દર્દીઓ આઇસોલેશનમાં હોય છે અને તેઓ પોતાના સગા સંબંધી કે પરિચિતોને મળી પણ શકતા નથી ત્યારે તેમની સુવિધા અંગે પણ રાજ્ય સરકારે વિચાર કર્યો છે.

ફેરિયા-વેપારીને પાસ અપાયા
આવશ્યક ચીજવસ્તુ સરળતાથી મળી રહે તે માટે 96 હજાર જેટલા ફેરીયાઓ અને છૂટક વેપારીઓને પાસ ઇશ્યુ કરવામાં આવ્યા છે. જેથી આ લોકો ન્યૂઝ પેપર, શાકભાજી, દૂધ જેવી જીવન જરૂરિયાતની વસ્તુઓની હોમ ડિલીવરી પણ કરી શકશે.

ગુજરાતની સ્થિતિ સંગીન, આંકડા ચોંકાવનારા
એક બાબત હવે નોંધવાલાયક બની છે જે બતાવે છે કે ગુજરાતની સ્થિતિ કઠિન બનતી જાય છે. અમદાવાદમાં નોંધાયેલાં એક મોત બાદ હવે ગુજરાત કુલ ચાર મૃતકાંક સાથે આખા દેશમાં સૌથી વધુ મૃત્યુના કિસ્સા ધરાવતાં રાજ્ય તરીકે મહારાષ્ટ્રની બરાબરી કરી રહ્યું છે, પરંતુ મહારાષ્ટ્રમાં 210 પોઝિટિવ દર્દીએ 4 મૃત્યુ નોંધાયા છે અને સાજા થઇને હોસ્પિટલમાંથી રજા મેળવેલાં દર્દીઓની સંખ્યા ધરાવે છે. જ્યારે ગુજરાતમાં પંચાવન પોઝિટિવ કિસ્સાએ 4 મૃત્યુ અને એક પણ રિકવરીનો કિસ્સો ન નોંધાયો હોવાથી ગુજરાતમાં સ્થિતિ વધુ ગંભીર કહી શકાય.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
અમે મજબૂર નથી, અમને માત્ર તમારી ચિંતા છે એટલે હાથ જોડી રહ્યા છીએઃ પોલીસ


from Divya Bhaskar https://ift.tt/2WSFINY

Comments