જમાલપુર, આસ્ટોડિયા સહિતના કોટ વિસ્તારોમાં મુખ્ય રસ્તા સૂમસામ, ગલીઓમાં ટોળાં 

શહેરભરમાં લૉકડાઉનની સ્થિતિનો મંગળવારે ‘દિવ્ય ભાસ્કર’ની ટીમે ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો હતો. શહેરના મોટા ભાગના વિસ્તારોના મુખ્ય રસ્તાઓ સૂમસામ ભાસતા હતા, જ્યારે સોસાયટીઓ, પોળ, મહોલ્લાની ગલીઓમાં લોકો ટોળે વળેલાં હતાં. કાંકરિયા, સાઉથ બોપલ અને સત્તાધાર પાસેની શાકમાર્કેટમાં સામાન્ય દિવસ જેવો માહોલ હતો. ખાસ તો જમાલપુર, આસ્ટોડિયા, દરિયાપુર જેવા કોટ વિસ્તારોની નાની ગલીઓમાં લોકોની અવરજવર અને ટોળાં નજરે પડતાં હતાં. મ્યુનિ.ના હેલ્થ વિભાગે જમાલપુર સહિતના વિસ્તારોમાં વધુ પોલીસ ફોર્સ તહેનાત કરવાની માગણી કરી છે. લૉકડાઉનને અઠવાડિયાથી વધુ સમય થયો હોવાથી ઘણા લોકો હવે અલગ અલગ બહાનાં બતાવીને પણ રસ્તા પર નીકળી રહ્યા છે. મંગળવારે આવા બહાનેબાજોને પોલીસે પકડી પાડી મેમો આપ્યો હતો.
‘સાહેબ, દર્શન કરવા ગયો હતો, ગરીબને ખાવાનું આપવા જઉં છું’
શહેરમાં લોકડાઉનનો ભંગ કરનારા લોકોને જ્યારે પોલીસ પકડે છે ત્યારે બહાનાં બતાવી રહ્યાં છે. મંગળવારે અખબારનગર પાસે એક યુવક પોલીસને જોઈ ભાગ્યો હતો, પણ પોલીસે તેને પકડી દંડ ફટકાર્યો. પોલીસે તેને પૂછ્યું કે, ‘ક્યાં જઈ આવ્યા?’ તો થોથવાતાં બોલ્યો, ‘સાહેબ મંદિરે ગયો હતો. હવે નહી નીકળું.’ જોકે આ યુવકનું વાહન પોલીસે જપ્ત કરી તેને આરટીઓનો મેમો પકડાવી દીધો હતો. એવી જ રીતે સુભાષ બ્રિજ સર્કલ પાસે કારમાં નીકળેલા બે યુવકોને પોલીસે અટકાવી પૂછ્યું કે, ‘ક્યાંથી આવ્યા?’ તો કહ્યું કે, ‘અનાજ આપવા નીકળ્યા છીએ.’ જોકે પરવાનગી વગર નીકળ્યા હોવાથી પોલીસે કાર જપ્ત કરી મેમો પકડાવી દીધો હતો.
બોપલમાં શાકમાર્કેટમાં માસ્ક પહેર્યા વિના લોકોની ભીડ
સાઉથ બોપલમાં બપોરે 11.30 વાગે શાકભાજી ખરીદવા લોકોની ભીડ જોવા મળી હતી. શાકભાજી, ફ્રૂટની દુકાનો અને લારીઓ સવારે 10 વાગે બંધ કરાવી દેવાય છે, પરંતુ સાઉથ બોપલના સફલ પરિસર સામે શાકભાજી અને ફ્રૂટની લારીઓ હતી. અહીં ખરીદી કરવા આવનારા પણ માસ્ક વગર જ દેખાતા હતા. શાકમાર્કેટ કે દુકાનો પાસે પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ પાલન કરાતું નહોતું.
જોધપુરમાં દસ્તાવેજ ચકાસણીમાં ટિકિટ બારી જેવી લાઇન
જોધપુર, સેટેલાઇટની સોસાયટીઓ પાસે લારીઓ પર મ્યુનિ. અધિકારીઓ સ્ટ્રીટ વેન્ડરના દસ્તાવેજ ચકાસતા હતા ત્યાં લાંબી લાઈન લાગી હતી. સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ થતો હતો. સ્ટ્રીટ વેન્ડરો એકબીજાની નજીક નજીક ઊભા રહ્યા હતા. જાણે કે કોરોના વાઇરસ ફેલાવાની ભીતિ વિશે તેમને કોઈ જ પ્રકારની ચિંતા ન હોય? આ વિસ્તારની અન્ય એક સોસાયટી પાસે લારી નજીક લોકો ટોળે વળ્યા હતા.
કોટ વિસ્તારોમાં સવારે પોલીસ ન હોય ત્યારે લોકો બહાર નીકળે છે
જમાલપુર, દાણીલીમડા, બહેરામપુરા સહિતના વિસ્તારોમાં સવારના સમયે લોકો સરેઆમ લૉકડાઉનનું ઉલ્લંઘન કરી બહાર ખરીદીના બહાને બજારમાં ટહેલતા જોવા મળ્યા હતા. મુખ્ય માર્ગો પર પોલીસની હાજરી હોવાથી તે સૂમસામ નજરે પડતાં હતા, પરંતુ અંદરના નાના રસ્તા પર શાકભાજીની લારી તેમજ અન્ય ચીજ વસ્તુઓ લેવા મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષો ટોળે વળી ખરીદી કરતા જોવા મળ્યા હતા. આ મામલાની ગંભીરતા જોઈ સ્થાનિક પોલીસ દ્વારા લોકોને સમજાવી ઘરે જવા અપીલ કરવામાં આવી હતી.
સ્થાનિક સાથે વાત કરવા તેમણે જણાવ્યું હતું કે, સવારના સમયે પોલીસની હાજરી નહીંવત હોવાથી લોકો ખરીદીના બહાને ઘરમાંથી નીકળી પડતા હોય છે. આ સંજોગોમાં સોશિયલ ડિસ્ટન્સ રાખવાનો આદેશ છતાં કોઈ તકેદારી રાખ્યા વગર લોકો ખરીદી કરી વાતો કરતા હોવાથી આ વિસ્તારોમાં કોરોના વાઈરસનો ફેલાવો થવાની શક્યતા વધુ રહે છે.
સોસાયટીના કોમનપ્લોટમાં લોકો એકત્રિત થઈ વાતો કરે છે
પૂર્વ ઝોનમાં ઓઢવ, ઇન્ડિય કોલોની વિસ્તારની ઘણી સોસાયટીઓમાં લોકોની ભીડ એકત્રિત થઈ હતી. ઓઢવની એક સોસાયટીના કોમનપ્લોટમાં તો લોકો માસ્ક પહેર્યા વિના ટોળે વળી વાતો કરી રહ્યા હતા. બીજી તરફ આ વિસ્તારોના મુખ્ય રસ્તા પર એકલદોકલ વાહનો પસાર થઈ રહ્યા હતા. ઇન્ડિયા કોલોની વિસ્તારમાં મુખ્ય રોડ સૂમસામ હતો, પણ સોસાયટીઓની ગલીઓ, કોમનપ્લોટમાં રહીશો એકત્રિત થઈ ઊભા રહેતા હતા.
કાંકરિયામાં સામાન્ય દિવસ જેવો માહોલ
કાંકરિયાના રહેણાક વિસ્તારના રોડ પર સામાન્ય દિવસ જેવો માહોલ હતો. શાકભાજી ખરીદનારા તો દેખાતા જ હતા, પણ રોડ પર પણ વાહનોની અવરજવર હતી.
નારણપુરામાં પોલીસ કર્મચારીઓની હાજરીમાં કેટલાક લોકો રસ્તા પર ફરતા હતા
નારણપુરામાં ઘણા લોકો શિસ્ત છોડીને રસ્તા પર નીકળી પડે છે. નોકરી જવાના સમયે સામાન્ય દિવસના સંજોગો હોય તેવાં દૃશ્યો જોવા મળ્યાં હતાં. મુખ્ય રસ્તા પર પોલીસે બેરિકેડ મૂકીને લોકોને પકડ્યા હતા અને કામ વગર નીકળતા લોકોને લાકડીઓથી ઘરભેગા કર્યા હતા, પરંતુ લોકો કોઈ પણ હિસાબે બહાર જવા માટે મુખ્ય રસ્તે જવાને બદલે તેને સમાંતર રસ્તા શોધીને નીકળી પડ્યા હતા. મંગળવારે સવારે નારણપુરા વિસ્તારમાં લોકોની ભીડ જોવા મળી હતી. સોશિયલ ડિસ્ટન્સને જાળવ્યા વગર લોકો ભેગા પણ થયા હતા.
નવા વાડજ, ચેનપુર, ન્યૂ રાણીપમાં સવારે શાકભાજી માટે ભીડ
ન્યૂ રાણીપ , નવા વાડજ, ચેનપુરમાં સવારે લોકો શાકભાજી ખરીદવા નીકળ્યા હતા, પરંતુ બપોરે 12 વાગ્યા બાદ પોલીસે આ વિસ્તારોમાંથી શાકભાજીવાળાને ખસેડ્યા હતા, જેથી લોકો પણ રવાના થઈ ગયા હતા. બપોરે 12 વાગ્યા પછી આ વિસ્તારોમાં ફલેટ અને સોસાયટીઓના મેઇન ગેટ પર લોકોએ ઊભા રહેવાનું ટાળ્યું હતું. બપોરના સમય દરમિયાન સેવાભાવી સંસ્થાઓ દ્વારા પોલીસને પાણીની બોટલ અને લીંબું શરબત પણ પહોંચાડવામાં આવ્યા હતા. આ વિસ્તારોમાં સાંજ પડતાં લોકો મોટી સંખ્યામાં બહાર નીકળ્યા હતા. ન્યૂ રાણીપમાં આવેલાં સ્ટાર બજારમાં ખરીદી કરતાં લોકો યોગ્ય ડિસ્ટન્સ જાળવીને ઊભા રહ્યા હતા.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Major roads empty, peoples in areas including Jamalpur, Astodia


from Divya Bhaskar https://ift.tt/2JtmJl9

Comments