સિવિલના કોરોના વોર્ડમાં મુસ્લિમ દર્દીને રાત્રે 3 વાગે સહેરી કરાવાય છે, સાંજની ઈફ્તાર પાર્ટીમાં ખજૂર, દૂધ આપે છે
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં હાલ 472 દર્દીઓ કોરોનાગ્રસ્ત છે. દાખલ દર્દીઓમાં શહેરના કોટ વિસ્તારના મુસ્લિમ બિરાદરો પણ સામેલ છે. ઇસ્લામમાં રમઝાન મહિનો પવિત્ર ગણાય છે અને મુસ્લિમો દ્વારા રોજા રખાય છે.
હોસ્પિટલે ત્વરિત નિર્ણય લઈ ભોજનનો સમય બદલ્યો
સિવિલના કોરોના વોર્ડમાં દાખલ મુસ્લિમ દર્દીઓમાં જેમની તબિયત સ્થિર છે તેઓએ રોજા રાખવાની વાત સિવિલ તંત્ર સમક્ષ કરી હતી. આથી હોસ્પિટલે આ બાબતે ત્વરિત નિર્ણય લઇ રોજા રાખનાર બિરાદરોના ભોજન સમયમાં ફેરફાર કર્યો છે. આ દર્દીઓને વહેલી સવારે સહેરી સમયે 3 વાગે દૂધ, લીંબુ શરબત અને ફળાહાર અપાય છે. તથા સાંજની ઇફ્તારમાં ખજૂર, દૂધ અને જ્યુસ આપવામાં આવે છે. કોરોના વોર્ડમાં દાખલ મુસ્લિમ બિરાદરો નિયમિત નમાઝ અદા કરે છે.
હોસ્પિટલના સહયોગથી મુસ્લિમો ખુશ
દરિયાપુરના ઈકબાલ હુસેને પણ રોજા રાખ્યા છે. તેઓ કહે છે કે, ‘કોરોનાના આ કપરા સમયમાં જે જ્યાં છે ત્યાંથી જ તેમણે ખુદાની ઇબાદત કરવી જોઈએ. ખુદાની ઇબાદત કરી રાજી કરીશું તો જલદીથી કોરોના ભાગશે.’ ઈકબાલ હુસેન પાંચ વાર નમાજ અદા કરે છે અને ધાર્મિક પુસ્તકોના વાંચનથી સમય પસાર કરી રહ્યા છે. રમજાનના પવિત્ર માસ દરમિયાન સિવિલ હોસ્પિટલના સહયોગથી તેઓ ખૂબ જ ખુશ છે.
ઘરમાં રહી ઇબાદત કરવા દર્દીની અપીલ
દરિયાપુરના આરીફ ખાન પઠાણ ભાવુક થતાં કહે છે કે, ‘આવી મહામારી વચ્ચે કોઈ બહાર ન નીકળે એ જ મારી અપીલ છે. હું મારા વહાલસોયા સંતાનો અને પત્નીથી દૂર અહીં દાખલ થયો છું. આ વિકટ પરિસ્થિતિમાં આપણે સાવચેતી રાખીશું તો અલ્લાહતાલા જરૂર આપણને આમાંથી બહાર લાવશે.’ તેઓ વધુમાં કહે છે કે, ‘સિવિલ હોસ્પિટલ દ્વારા અમારા રોજાનો સમય સચવાશે એવું મેં વિચાર્યું ન હતું પરંતુ અહીં મારી પૂરતી શુશ્રુષા થઈ રહી છે.’ સિવિલ હોસ્પિટલમાં દાખલ કોરોનાગ્રસ્ત આ મુસ્લિમ બિરાદરોએ હાલ હોસ્પિટલને જ પોતાનું ઈબાદતગાહ બનાવ્યું છે અને બીજાને પણ ઘરમાં જ રહી રમજાન મહિનામાં ઈબાદત કરવાની અપીલ કરી રહ્યા છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2SaglnP
Comments
Post a Comment