82 વર્ષના માતાને પાડોશીની દેખરેખ હેઠળ રાખી જંગલેશ્વરમાં ફરજ બજાવે છે મહિલા કર્મચારી

લોકોને સામાન્ય તાવ હોય, આરોગ્ય સર્વેની કામગીરી હોય, સેમ્પલ ટેસ્ટિંગ હોય કે પછી લોકોને સિવિલ હોસ્પિટલમાં આગળ તપાસ કરવા માટેના સૂચનો હોય આવા દરેક મોરચે બહેનો કોરોનાની લડાઈમાં ભાગીદાર બની રહી છે. કોરોનાને હંફાવવા માટે આરોગ્ય કર્મીઓ દિવસ રાત કામ કરી રહ્યા છે. ત્યારે રાજકોટના સંવેદનશીલ અને કોરોના હોટસ્પોટ તરીકે જાહેર થયેલા જંગલેશ્વર સ્થિત આરોગ્ય કેન્દ્રમાં 21 સ્ટાફ મેમ્બર્સમાં 19 મહિલા કર્મીઓ લડવૈયા બનીને કોરોના સામેની જંગમાં સંનિષ્ઠતાથી પોતાની ફરજ બજાવી રહી છે. પોતાના જીવને જોખમમાં મૂકીને દેશને આ જૈવિક આફતમાંથી બહાર કાઢવા માટે દરેક મુશ્કેલીઓને પાર કરી રહી છે.

એપાર્ટમેન્ટના લોકો મને શંકાની દૃષ્ટિએ જુએ છે
આરોગ્ય કેન્દ્રમાં નર્સ તરીકે 30 વર્ષથી ફરજ બજાવતા જ્યોતિબેન જાદવે જણાવ્યું હતું કે, હું મારા 82 વર્ષીય માતાને પાડોશીની દેખરેખ હેઠળ મૂકીને ફરજ બજાવવા આવું છું. આ સંકટના સમયમાં લોકોના આરોગ્યની તકેદારી માટે તેમના અયોગ્ય વ્યવહારને પણ અમે હસતા મોઢે જતો કરીએ છીએ. કોરોનાગ્રસ્ત વિસ્તારમાં કામ કરતી હોવાથી મારા એપાર્ટમેન્ટના લોકો મને શંકાની દૃષ્ટિએ જુએ છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, લોકોના આરોગ્યની ચકાસણી કરતી વખતે મને શરદી, ઉધરસ થયા હતા. જેના કારણે મારો ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો. જે નેગેટિવ આવ્યો હતો તેમ છતાં લોકો ડરે છે, પરંતુ મારો અભિગમ સકારાત્મક છે. 56 વર્ષીય આશાબહેન જુબેદાબેન દલવાણીએ કહ્યું હતું કે, હું નાનામવા સર્કલ પાસેથી આવું છું. લોકડાઉનના કારણે સવારમાં વાહન ન મળવાથી હું પગપાળા ચાલીને જંગલેશ્વરના આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવવા આવું છું. અહીંના દરેક ખૂણો અને લોકો મારી સાથે સહાનુભૂતિથી જોડાયેલ છે. તેથી તેમની સેવા માટે હું જંગલેશ્વરના આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવી રહી છું.

12-12 કલાક કામ કરી ફરજ બજાવે છે
આરોગ્ય કેન્દ્રની મહિલાઓની કામગીરી અંગે સંતુષ્ટતા વ્યક્ત કરતાં મનપાના નાયબ આરોગ્ય અધિકારી મનીષ ચુનારાએ જણાવ્યું હતું કે, મહિલાઓ વીરાંગનાઓની જેમ પોતાની ફરજ બજાવી રહી છે. રોજના બાર-બાર કલાક અહીં કામ કરવું સામાન્ય છે. સ્ટાફના કોઈ વ્યક્તિએ કોઈ બહાના વગર સંપૂર્ણ પારિવારિક ભાવનાથી માત્ર પોતાની ફરજ જ નહીં પરંતુ દેશસેવાના આ અવસરને સંપૂર્ણ ચરિતાર્થ કર્યો છે. એ.એન.એમ અને આશા વર્કર બહેનો તો ફક્ત માનદ વેતન મેળવે છે, પરંતુ તેમ છતાં તેઓ ફરજ ક્યારે પણ ચૂક્યા નથી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
The 82-year-old mother is kept under the care of a neighbor while a female employee is on duty in Jungleshwar


from Divya Bhaskar https://ift.tt/2KACSpz

Comments