દુકાન ખોલી અગરબત્તી કરી ત્યાં પોલીસ પહોંચી, કહ્યું - હવે દુકાન ખોલશો તો કેસ કરીશું

લોકડાઉન-2 વચ્ચે સરકારે દુકાનો, ગેરેજ, સહિતના ધંધાઓ તા.26થી ચાલુ થશે તેવી જાહેરાત કરતાં જ રવિવારે સવારે વેપારીઓ દુકાને પહોંચી ગયા હતા અને દુકાનોના શટર ઊંચકી અગરબત્તી, પૂજા કરી હતી પરંતુ બોણી થાય તે પહેલાં જ પોલીસ પહોંચી ગઇ હતી અને દુકાનો બંધ કરાવતાં વેપારીઓ ફરીથી નિરાશ થયા હતા. એક મહિનાથી વધુ સમય ધંધા રોજગાર બંધ રહ્યા બાદ સરકારે કેટલીક છૂટછાટ જાહેર કરી હતી અને રહેણાક વિસ્તારમાં આવેલી દુકાનો ચાલુ કરી શકાશે તેવી જાહેરાત કરતાં જ રવિવાર સવારથી રાજકોટની બજારોમાં વેપારીઓની અવર જવર વધી ગઇ હતી. શહેરના ધર્મેન્દ્ર રોડ, લાખાજીરાજ રોડ, સાંગણવા ચોક, ઇલેક્ટ્રિક બજાર, પરાબજારમાં વેપારીઓએ શટર ખોલ્યા હતા, એક મહિનાથી વધુ સમય દુકાનો બંધ રહી હોવાથી વેપારીએ અગરબત્તી અને પૂજાપાઠ કર્યા હતા અને સાફસફાઇ શરૂ કરી હતી ત્યાં જ ડીસીપી ઝોન1 રવિ સૈની સહિતનો પોલીસ કાફલો પહોંચ્યો હતો અને દુકાનો બંધ કરી દેવા સમજાવ્યા હતા, તે સાથે જ વેપારીઓની આશા પર પાણી ફરી વળ્યું હતું, નિરાશ થયેલા વેપારી દુકાનો બંધ કરી જતા રહ્યા હતા.

પોલીસે દુકાનો બંધ કરાવતાં વેપારીઓ રોષે ભરાયા
યુનિવર્સિટી રોડ પર પંચાયત ચોક નજીકના રહેણાક મકાનની નીચે આવેલી કેટલીક દુકાનો ખોલવામાં આવી હતી તે પણ પોલીસે બંધ કરાવતાં વેપારીઓ રોષે ભરાયા હતા. રામભાઇ સોલંકી નામના વેપારીએ કહ્યું હતું કે, રહેણાક વિસ્તારમાં આવેલી દુકાનો ખુલ્લી રાખવાની સરકારે જાહેરાત કરી હતી છતાં પોલીસ બંધ કરાવી રહી છે, તો વેપારીઓએ શું કરવાનું?. યાજ્ઞિક રોડ પર અને જાગનાથ વિસ્તારના વેપારીઓ જગદીશભાઇ તથા ભાવેશભાઇએ પણ આક્રોશ સાથે કહ્યંુ હતું કે, એક મહિનાથી વધુ સમય ઘરમાં રહ્યા હતા અને હજુ પણ તા.3 મે સુધી લોકડાઉન છે, લોકડાઉનનું પાલન કરવાનું જ હતું, પરંતુ સરકારે જ સ્ટેનશનરી, કપડાં અને બૂટ–ચપ્પલ સહિતની વસ્તુઓ ખોલવાની જાહેરાત કરી એટલે વેપારીઓ દુકાને પહોંચ્યા હતા, બાદમાં પોલીસ ધમકાવીને બંધ કરાવે તેનો શું અર્થ?, ધર્મેન્દ્ર રોડ સહિતના કેટલાક વિસ્તારોમાં પોલીસે વેપારીઓને ચીમકી આપી હતી કે, દુકાનો બંધ કરી દેજો, થોડીવાર બાદ આવશું ત્યારે ખુલ્લી હશે તો કાર્યવાહી કરવામાં આવશે. આમ રાજકોટ સહિતના શહેરોમાં ખોલબંધ, ખોલબંધનો ખેલ ખેલાયો હતો.

દૂધ, કરિયાણું, દવાની 3500 દુકાન જ ખૂલશે
મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે, રાજકોટમાં 65 હજાર નાની મોટી દુકાન છે. તેમાંથી લોકડાઉન દરમિયાન જીવન જરૂરી ચીજવસ્તુઓનું વેચાણ કરતી 3500 જેટલી દુકાન ખુલ્લી હતી. આ જ 3500 જેટલી દુકાન આગામી 3 મે સુધી ખુલ્લી રહી શકશે. અન્ય કોઇ પણ દુકાન ખુલ્લી રાખી શકાશે નહીં.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
વેપારીઓ દુકાને પહોંચી ગયા હતા અને દુકાનોના શટર ઊંચકી અગરબત્તી, પૂજા કરી હતી પરંતુ બોણી થાય તે પહેલાં જ પોલીસ પહોંચી ગઇ હતી


from Divya Bhaskar https://ift.tt/3eWn2mY

Comments