અમદાવાદ સિવિલના કોરોના વોર્ડના ICUમાં દરેક શ્વાસ માટે ભીષણ સંઘર્ષ, અહીં રોજ મોત પણ વિઝિટે આવે છે

આ માત્ર સિવિલ હોસ્પિટલમાં કોરોના માટે ખાસ ઊભી કરાયેલી કોવિડ હોસ્પિટલનો વોર્ડ નથી, આ કોરોના સામેનું બેટલ ફિલ્ડ છે, જ્યાં ડૉક્ટરો દિવસરાત વાઇરસ સામે લડીને પેશન્ટ્સને બચાવે છે. અહીં પહોંચવું ચક્રવ્યૂહના સાત કોઠાને વીંધવા કરતાં પણ અઘરું છે. છેલ્લા સાત દિવસથી હું સતત પ્રયત્ન કરતો હતો. આખરે ડૉ. કમલેશ ઉપાધ્યાયના રેફરન્સથી સત્તાવાળાઓએ મને જરૂરી સાવચેતી સાથે અને મારી જવાબદારી પર અંદર જવાની પરવાનગી આપી.
અહીં કોરોના સામે ગંભીર રણનીતિ ઘડાઈ રહી હોય એવું દૃશ્ય હતું
બપોરે બાર વાગ્યે હું સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યો ત્યાં જૂના ટ્રોમા સેન્ટર પાસે સિક્યોરિટી ગાર્ડ્સની અભેદ્ય કિલ્લેબંધી હતી. સામાન્ય વ્યક્તિને અહીંથી આગળ એક ડગલું ભરવાની મનાઇ છે. અહીંથી આગળ હોસ્પિટલના પ્રવેશદ્વાર પાસે મને ફરી રોકીને પૂછપરછ કરવામાં આવી. ત્યારબાદ હું કન્ટ્રોલરૂમ પાસે પહોંચ્યો. અહીં કોરોના સામે ગંભીર રણનીતિ ઘડાઈ રહી હોય એવું દૃશ્ય હતું. એક તરફ સેમ્પલ કલેક્શન સેન્ટરનો સ્ટાફ પોતાના કામમાં વ્યસ્ત હતો. બીજી તરફ હોસ્પિટલના R.M.O. ડૉ. સંજય કાપડિયા, ડૉ. સંજય સોલંકી, હોસ્પિટલના ઇન્ચાર્જ ડૉ. મૈત્રેય ગજ્જર ઊંડી ચર્ચામાં વ્યસ્ત હતા. અહીં સરકારે ખાસ નિયુક્ત કરેલા ડેપ્યુટી કલેક્ટર ધવલ જાની પણ હતા. તેમણે મારો હવાલો કોવિડ હોસ્પિટલના નોડલ ઓફિસર ડૉ. કાર્તિકેય પરમારને સોંપ્યો.
કિટ એરટાઇટ હોવાથી પાંચમી મિનિટે પરસેવો થવાનો શરૂ થઈ ગયો
વાઇરસના ચેપની શક્યતાવાળી આટલી જોખમી જગ્યામાં જવાની મારી ઉત્સુક્તા જોઈને એમને થોડું આશ્ચર્ય થયું. ડૉક્ટરે મને પીપીઈ કિટ પહેરાવી, ખાસ પ્રકારના ગોગલ્સ પહેરાવ્યા અને હાથમાં ગ્લવ્ઝ પહેરવા કહ્યું. આ કિટ લગભગ એરટાઇટ હોવાથી પહેર્યાની પાંચમી મિનિટે મને પરસેવો થવાનો શરૂ થઈ ગયો હતો. ડૉક્ટરે આછા સ્મિત સાથે કહ્યું, ‘અમે સતત સાતથી આઠ કલાક આ સૂટ પહેરીને કામ કરીએ છીએ. લગભગ રોજ પીપીઈ કિટ પહેરનારા ડૉક્ટરો અને નર્સિંગ સ્ટાફને 1.5 લિટર જેટલો પરસેવો થઈ જતો હોય છે. આટલો પરસેવો થાય એ જ શરીરને અત્યંત થકવી નાખનારી બાબત છે. જોકે ડૉક્ટર પરમાર કોઈ અજબ રીતે ફ્રેશ લાગી રહ્યા હતા.
સાહેબ તમારા જેવા અલ્લાહના બંદા હોય તો અમને શું તકલીફ
ડૉ. પરમાર દરેક દર્દી સાથે પરિવારની કોઈ વ્યક્તિ સાથે વાત કરતા હોય એમ જ વાત કરી રહ્યા હતા. વોર્ડમાં દોઢ મીટરના અંતરે રાખેલા બેડ પર લગભગ ત્રીસેક દર્દીઓ હતા. એક વૃદ્ધ દર્દી પાસે જઈ ડૉક્ટરે તબિયત પૂછી. દર્દીએ કહ્યું, સાહેબ તમારા જેવા અલ્લાહના બંદા હોય તો અમને શું તકલીફ થઈ પડવાની? આ વોર્ડમાં ડૉક્ટર એ કોઈ વ્યક્તિ માત્ર નથી. જિંદગી મૃત્યુને હરાવી દેશે એ ભરોસાનું નામ ડૉક્ટર છે! મોટા ભાગના દર્દીઓ ડૉક્ટરને જોઈને જ ખુશ થઈ જતા હતા.
અહીં રોજ મોત પણ વિઝિટે આવતું હતું
વોર્ડની આગળ આઇસીયુ છે. ડૉક્ટરે કહ્યું, આઇસીયુમાં વધુ પડતો ચેપવાળા અને કો-મોર્બિડ એટલે કે હાઇપર ટેન્શન, ડાયાબિટીસ કે હૃદયની બીમારીવાળા પેશન્ટ છે, જેમની સ્થિતિ ક્રિટિકલ છે. આ દર્દીઓમાં ઇન્ફેક્શન ઘણું આગળ વધી ગયું છે, કેટલાક તો વેન્ટીલેટર પર છે. અહીં ચેપ લાગવાની શક્યતા સૌથી વધુ છે. સામાન્ય રીતે ડૉક્ટરો પણ અહીં કામ વગર જવાનું ટાળે છે. તમારે અંદર જવું જ હોય તો જઈ શકો છો, પણ એ હિતાવહ નથી. ડૉ. કાર્તિકેય મારા માટે લક્ષ્મણ રેખા દોરી રહ્યા હતા. મેં કાચમાંથી અંદર જોયું. અંદર દરેક શ્વાસ માટે ભીષણ સંઘર્ષ ચાલી રહ્યો હતો. અહીં રોજ મોત પણ વિઝિટે આવતું હતું અને પાછા જતી વખતે એકાદ બેને સાથે લઈ જતું હતું.
પાછો ફરી રહ્યો હતો ત્યારે મારું આખું શરીર પરસેવે રેબઝેબ થઈ ગયું હતું, ગોગલ્સ પર ધુમ્મસ છવાઇ ગયું હતું અને દિમાગ સુન્ન થઈ ગયું હતું.
ડૉ. પરમારે કહ્યું રાત્રે જમવાનું મન થતું નથી
ડૉ. પરમારે મને કહ્યું કે, હું દરરોજ 150-200 પેશન્ટને તપાસું છું, પણ કો-મોર્બિડ પેશન્ટ્સમાં ઇન્ફેક્શન આગળ વધી ગયું હોવાથી વેન્ટીલેટર પર રાખવા છતાં બચાવી શકાતા નથી. જ્યારે આ‌વી રીતે જિંદગી હારી જાય ત્યારે રાત્રે જમવાનું મન થતું નથી.
મેં એમના પ્રત્યેક શ્વાસ માટેના સંઘર્ષને જોયો હતો
હું જ્યારે આ લખી રહ્યો છું ત્યારે આરોગ્ય સચિવ જયંતી રવિ કોરોનાને આંકડામાં સમજાવી રહ્યા છે. એ કહે છે કે અમદાવાદમાં કોરાેનાને કારણે 19નાં મોત થયાં છે. માહિતી મળે છે કે તેમાંથી 15 સિવિલ હોસ્પિટલના ICUમાં હતા. હા એ જ ICUમાં જ્યાં થોડા કલાકો પહેલાં મેં એમના પ્રત્યેક શ્વાસ માટેના સંઘર્ષને જોયો હતો, જ્યાં એમની જિંદગી થોડાક ઓક્સિજન માટે વાઇરસ સામે લડી હતી, જ્યાં એમનાં ફેફસાંએ છેલ્લી તાકાત લગાડી હતી અને અંતે હારી ગયાં હતાં.
આજે એ ડૉક્ટર ફરી નહીં જમે, જમી શકશે જ નહીં. કોરોના ભયાનક ઘાતક છે એ દરેક વ્યક્તિએ સમજવું પડશે, દર શ્વાસે સમજવું પડશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
‘દિવ્ય ભાસ્કર’ના રિપોર્ટર સમીર રાજપૂતે પીપીઈ સૂટ, માસ્ક અને ગોગલ્સ પહેરી, તમામ તકેદારી રાખી કોરોના વોર્ડની મુલાકાત લીધી.


from Divya Bhaskar https://ift.tt/2KEmRz0

Comments