સરકારી બાબુઓ શ્રમિકોની વાપસીમાં વ્યસ્ત, લોકો ત્રસ્ત

લોકડાઉન 4માં રાજ્ય સરકાર દ્વારા સરકારી કચેરીઓ ખોલાતાં હવે અરજદારો અટવાયેલાં કામો પૂરાં કરવા કચેરીઓમાં આવી રહ્યા છે. જોકે આ સરકારી કચેરીઓના કર્મચારીઓને પરપ્રાંતિઓને વતન મોકલવા સહિતના કામો સોંપાતાં અરજદારોનાં કામો કચેરીમાં થતાં ન હોવાની પણ ફરિયાદો સાંભળવા મળી છે. જેમાં ખાસ કરીને સરકારે શહેર-જિલ્લાની સબ રજિસ્ટ્રાર કચેરીઓને ખોલવાનો આદેશ આપી દીધો છે, પરંતુ સિટી સર્વેની ઓફિસોમાં પ્રોપર્ટી કાર્ડને લગતું કામ ન થતાં અરજદારો અટવાયા છે.

રેવન્યુ વિભાગના કર્મચારીઓએ પરપ્રાંતિયોને વતન મોકલવાની કામગીરી કરવાની મનાઈ કરી દેતાં સિટી સર્વેના કર્મચારીઓ પર વધારે જવાબદારી આવી ગઇ છે. જેના પગલે સિટી સર્વેની કચેરીમાં કામગીરી ન થતાં લોકોને પ્રોપર્ટી કાર્ડની નકલો મળતી નથી. મામલતદાર કચેરીઓમાં પણ આ જ હાલ છે. કચેરીઓમાં પહોંચતાં અરજદારોને કર્મચારીઓ ઑફિસમાં જ ન મળતાં ધક્કા ખાવાનો વારો આવી રહ્યો છે.

માંજલપુરના મયંક પરમાર રેશનકાર્ડના કામ અર્થે મામલતદાર કચેરી ખાતે ગયા હતા, પરંતુ ત્યાં હાજર કર્મચારીઓએ જૂન મહિનામાં આવવાનું જણાવી દીધું હતું. બીજી તરફ આઈટીઆઈના કર્મચારીઓને પણ પરપ્રાંતિઓના ભોજન સહિત વિવિધ કામગીરીમાં લગાવાયા હોવાથી લાઇસન્સની કામગીરી અટવાઈ છે. સરકારી કચેરીઓમાં અરજદારોને લોકડાઉન બાદ આવવા જણાવાઈ રહ્યું છે. જેના કારણે લોકોમાં રોષ ફેલાઈ રહ્યો છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/3ewMUVs

Comments