જિલ્લામાં 1 મોત, 1 સાથે 10 નવા કેસ

અમરેલીમાં કોરોનાનો ગ્રાફ ઝડપથી ઊંચો જવાની આશંકા સેવાતી હતી, અને કદાચ તેની જ શરૂઆત થતી હોય તેમ આજે એક સાથે દસ પોઝિટિવ કેસ બહાર આવ્યા હતા. જેને પગલે અમરેલી જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 70 દર્દી નોંધાયા છે. અમરેલી શહેરમાં બે અને તાલુકામાં ત્રણ કેસ સામે આવ્યા છે.

કોરોનાનો ગ્રાફ અચાનક ઊંચકતા લોકોમાં એક પ્રકારનો ફફડાટ
અમરેલી શહેર કોરોનાનું ઘર બની રહ્યું છે. કારણ કે આખા જિલ્લામાં કોરોનાના સૌથી વધુ કેસ અમરેલી શહેરમાંથી આવી રહ્યા છે. આજે અમરેલી શહેરમાં વધુ બે પોઝિટિવ કેસ આવ્યા હતા. અહીંના માણેકપરા શેરી નંબર 2માં રહેતી 50 વર્ષની મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આવી જ રીતે જેસીંગપરામાં રહેતી એક 50 વર્ષની મહિલાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. તો બીજી તરફ અમરેલી તાલુકાના રંગપુર ગામના 42 વર્ષીય યુવાન ઉપરાંત ગાવડકાની એક 55 વર્ષીય મહિલાને પણ કોરોનાનું નિદાન થયું છે. અમરેલીના ઇશ્વરીયામાં 75 વર્ષીય વૃદ્ધા કોરોનાગ્રસ્ત થયા છે. માત્ર એકલા અમરેલી શહેરમાં જ અત્યાર સુધીમાં 12 કેસ સામે આવ્યા છે.

આજે લાઠી પંથકમાંથી પણ બે કેસ આવ્યા છે. લાઠીના 45 વર્ષીય યુવાન ઉપરાંત લાઠી તાલુકાના ઝરખીયા ગામના 30 વર્ષીય યુવાનને કોરોનાનું નિદાન થયું છે. જ્યારે ધારીમાં ક્રિષ્નાપાર્કમાં રહેતી 25 વર્ષીય મહિલાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. સાવરકુંડલા તાલુકાના ગોરડકા ગામના 40 વર્ષીય યુવાન તથા રાજુલા શહેરના 40 વર્ષીય યુવાનનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. આમ અમરેલી જિલ્લામાં પ્રથમ વખત એક દિવસમાં 10 કેસ નોંધાયા છે. જેને પગલે કુલ કેસની સંખ્યા 70 પર પહોંચી ગઈ છે. ગઇકાલ સુધીમાં અહીં 60 કેસ નોંધાયા હતા. કોરોનાનો ગ્રાફ અચાનક ઊંચકતા લોકોમાં એક પ્રકારનો ફફડાટ પણ જોવા મળી રહ્યો છે.

ભીમ અગિયારસ કરવા સુરત ગયેલી મહિલાને કોરોના
ધારીના ક્રિષ્નાપાર્કમાં રહેતી 25 વર્ષીય મહિલા એક મહિના પહેલા ભીમ અગિયારસ કરવા માટે સુરત ગઈ હતી. અને ગત 19મી તારીખે પરત ફર્યા બાદ 23મી તારીખથી તેને તાવ શરદી અને ઉધરસના લક્ષણો હતા. ગઈકાલે રિપોર્ટ કરાતા તે આજે પોઝિટિવ આવ્યો હતો. તેના પતિ વીજ કંપનીમાં કામ કરે છે. અહીં તંત્રએ ક્વોરેન્ટાઇન ઝોન બનાવવા તજવીજ હાથ ધરી હતી.

વધુ 3 દર્દીને રજા અપાઈ
અમરેલી સિવિલ હોસ્પિટલમાં ગઇકાલ સુધીમાં 30 દર્દીઓને રજા આપી દેવામાં આવી હતી. અને આજે વધુ ત્રણ દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 33 દર્દીઓ સાજા થયા છે.

હાલમાં 32 દર્દી સારવાર હેઠળ
અમરેલી જિલ્લામાં નોંધાયેલા કોરોનાના 70 દર્દી પૈકી 32 દર્દી સારવાર હેઠળ છે. જયારે 33 દર્દીને રજા આપી દેવાઈ છે. પાંચ દર્દીનું સારવાર દરમિયાન મોત થયું છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Corona | 1 death in the district, 1 with 10 new cases


from Divya Bhaskar https://ift.tt/3dI4uoE

Comments