હવે 20 લાખથી વધુની રોકડ ઉપાડવા 3 વર્ષનું IT રિટર્ન લઈ જજો, નહીં તો 2% TDS કપાશે

આજથી એટલે 1લી જુલાઇથી બેંકમાંથી રોકડ ઉપાડના નિયમોમાં કેટલાંક મોટા ફેરફાર આવ્યા છે. રૂપિયા 20 લાખથી વધુના રોકડ ઉપાડ પર 2 % ટીડીએસ લાગવા જઇ રહ્યું છે.

આજથી નવી સિસ્ટમ મુજબ લોકોએ મોટી રકમ ઉપાડવી હોય તો 3 વર્ષના ઇન્કમટેક્સ રિટર્નની કોપી બેંક પર લઇ જવી પડશે. બેંકકર્મી એક ઇન્કમટેક્સ અધિકારી બનીને આ વિગતો ચકાસશે અને પછી નક્કી કરશે કે ઉપાડ પર ટીડીએસ લાગે છે કે નથી લાગતો. સી.એ. બિરજુ શાહ કહે છે કે આ કપાયેલી રકમ બેંક આવકવેરા વિભાગમાં જમા કરશે અને ત્યારબાદ કરદાતા તેને આઇટીમાંથી રિફંડ પેટે મેળવશે, અથવા તો ટેક્સના બદલામાં કાપી શકશે. એક રીતે આ બાર બારની બે કરવા જેવી સિસ્ટમ છે.

બેંકો આ રીતે કામ કરશે

નવા એક્ટ મુજબ રોકડ ઉપાડની ગણતરી 1લી એપ્રિલ 2020થી થશે. જ્યારે તેનો અમલ 1લી જુલાઈથી થઈ રહ્યો છે. વરાછા કો.ઓપ.બેંકના મુખ્ય એકાઉન્ટન્ટ વિઠ્ઠલ ધાનાણીએ કહ્યું કે સોફ્ટવેર તૈયાર છે, જે 1લી જુલાઇથી કામગીરી કરશે. ખાતેદારે ઉપાડ માટે 3 વર્ષના રિટર્ન સાથે લાવવા પડશે. અમે સોફ્ટવેરમાં ચેક કરીશું કે 1લી એપ્રિલથી અત્યાર સુધી કેટલી રોકડ ઉપાડ કરી છે. જો 30મી જુન સુધી 18 લાખ હોય અને તે બીજા 5 લાખ ઉપાડનાર હોય તો તેણે 23 લાખ પર 2 % TDS ભરવો પડશે. ખાતેદારે છેલ્લાં ત્રણ વર્ષના રિટર્ન રેગ્યુલર ભર્યા ન હશે તો 1 કરોડ પર 2 % TDS લાગશે અને 1 કરોડથી ઉપરની હોય તો 5 ટકા લાગશે. આથી જે લોકોના રોકડ ઉપાડ વધુ છે તેઓએ જ 1લી જુલાઇથી તકેદારી લેવાની છે.

કોઈ રિટર્નની કોપી ન લઇ જાય તો

બેંક સુત્રો કહે છે કે જો કોઈ રિટર્નની કોપી નહીં લઇ જાય અને તેના ટ્રાન્ઝેક્શન એવા હોય કે નવા ઉપાડ દ્વારા 20 લાખની લિમિટ ક્રોસ થતી હોય તો તેણે TDS કપાવવો પડશે. બેંકો કાપી લેશે.

ટેક્સ પાછો મળવાનો છે તો સિસ્ટમ કેમ

જો રકમ પરત મળવાની હોય તો આ જફા શા માટે એવા સવાલ સી.એ. સુધી આવી રહ્યા છે. સી.એ. પ્રજ્ઞેશ જગાશેઠ કહે છે કે સરકારની ગણતરી સ્પષ્ટ છે. રકમ મહત્વપૂર્ણ નથી પરંતુ વ્યક્તિ કોણ છે, શા માટે આટલો રોકડ ઉપાડ કરે છે. તે ઓળખવા સિસ્ટમ લાગુ કરાઈ છે. એનાથી છણાવટ થશે કે રોકડ ઉપાડ કોની વધુ છે. મને લાગે છે ત્યાં સુધી જે મોટા પગાર કરે છે, ટ્રાન્સપોર્ટવાળા છે તેઓને વધુ અસર પડશે. આ ઉપરાંત લોકોને જામ રહેલી રકમ પર નુકશાન ન થાય એ માટે 6 % વ્યાજ પણ મળવાનું છે.

સહકારી મંડળીઓ પર અસર

સી.એ. વિરેશ રૂદલાલ કહે છે કે સહકારી મંડળીઓ જેવી કે શાકભાજી ઉત્પાદક, દુધ વિતરક, ખાતર મંડળીઓ વગેરે સહકારી બેંકો કે મિલ્ક ફેડરેશનમાંથી રોકડ ઉપાડ કરે તો 2 ટકા ટીડીએસ લાગુ પડશે. આ માટે સહકારી મંડળીઓએ 3 વર્ષના આઇટી રિટર્નની સર્ટિફાઇડ કોપી બેંક મેનેજરને આપવાની છે. જે મંડળીની એફ.ડી. બેંકોમાં છે અને વાર્ષિક 40 હજારથી વધુનું વ્યાજ મેળવે છે તેઓએ 10 ટકા ટીડીએસ કાપવાનો હતો તે ઘટીને હવે 7.5 ટકા થઈ ગયો છે. આ મંડળીઓમાં મોટાભાગે ખેડૂતો છે જેમાં ખેડૂતોને રોકડની ચુકવણી કાયદા મુજબ માન્ય રીતે કરાઈ છે. હવે આ ચૂકવણી પર ટીડીએસ લાગતો હોય તે ક્યાંનો ન્યાય છે. સરકારે ફેર વિચારણા કરવી જોઇએ. સાઉથ ગુજરાતમાં અંદાજે પાંચ હજાર જેટલી મંડળીઓ છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2NJxDWa

Comments