જૂનાગઢની સરકારી આયુર્વેદિક ફાર્મસી ફરી શરૂ કરવાના પ્રયાસો શરૂ થયા છે. એક સમયે આખા ગુજરાતમાં તમામ સરકારી દવાખાનાઓમાં સપ્લાય થતી આયુર્વેદિક દવાઓ બનાવવાનું એકમાત્ર યુનિટ જૂનાગઢમાં હતું. અહીં બનતી દવાઓ લોકો પોતાની રીતે પણ રીટેઇલમાં ખરીદી શકતા. તો યુનિટના રાજ્યભરમાં 23 સાર્વજનિક દવાખાના પણ હતા. જેમાંથી લોકોને રાહતભાવે કિંમતી જડીબુટ્ટીઓ લોકોને આસાનીથી ઉપલબ્ધ થતી. 3 પાળીમાં 24 કલાક ધમધમતા આ યુનિટમાં જૂનાગઢના 350 લોકોને રોજગારી પણ મળતી. જે આજે બંધ થઇ ગઇ છે.
1982માં ગુજરાત સરકારે આદિજાતિ વિકાસને ધ્યાનમાં રાખી ફાર્મસી શરૂ કરવાની મંજૂરી આપી
જૂનાગઢની ફાર્મસીમાં વર્ષો સુધી ફરજ બજાવી નિવૃત થયેલા વહીવટી શાખાના સિનિયર આસિસ્ટન્ટ ઈકબાલભાઈ શેખ કહે છે, 1982માં ગુજરાત સરકારે આદિજાતિ વિકાસને ધ્યાનમાં રાખી ડાંગ ખાતે ગ્રાહક સહકારી મંડળીને ફાર્મસી શરૂ કરવાની મંજૂરી આપી. સાથે સાથે જુનાગઢ ફાર્મસીમાંથી સપ્લાય પ્રતિ દવાઓ પૈકી 20 ટકા ઓર્ડર ડાંગને આપી દેવાનો હુકમ કર્યો. ત્યારબાદ રાજપીપળા અને વડોદરામાં પણ સરકારી ફાર્મસીઓ શરૂ કરવામાં આવી. એ બંને યુનિટોને પણ જૂનાગઢના ભોગે જ વધુ 20-20 ટકા ઓર્ડર આપી દેવામાં આવ્યા. દવા બનાવવાનો કાચો માલ યુનિટે બજાર ભાવે ખરીદવાનો થતો. એમાં ગમે ત્યારે વધારો થાય. પણ વેચાણની રકમમાં 4-5 વર્ષે વધારો થાય. ત્યાં સુધી મશીનરી મેન્ટેનન્સ, ટ્રાન્સપોર્ટ, વીજળી, પેકીંગ મટીરિયલ, લેબર, પગાર બધું વધતું રહેતું.
આ બધું 1982 થી શરૂ થઇ ગયું હતું. છેલ્લે તો તેલ, મલમ, ગુગળ, રસ-રસાયણ, ટેબ્લેટ, ગોળી અને બીજી નફો કરતી દવાઓ બનાવવાનું બંધ કરી માત્ર ખોટ જાય એવી દવાઓ બનાવવાનું શેડ્યુલ પત્રક તૈયાર કરી એટલીજ દવાઓ બનાવવાનો પરિપત્ર કાઢ્યો. છેલ્લે સરકારે આ યુનિટ શરૂ કરવા 5 કરોડ ફાળવ્યા છે. જોકે, હવે ફરીથી આ યુનિટને ધમધમતું કરવા ખુદ આરોગ્ય સચિવ ડો. જયંતિ રવિ અંગત રસ દાખવી રહ્યા છે.
હવે શું થશે ?
} મંડળ ફરી એક્ટિવેટ થશે.
} હાલ જે બિલ્ડીંગ ઉભું છે તેને રિનોવેટ કરી મશીનરી, ઇક્વિપમેન્ટ ઉપલબ્ધ કરાવવા.
} આ યુનિટમાં ભસ્મ, આરિષ્ટ બનાવવા અને સરકારી દવાખાનાને સપ્લાય કરવા.
} સિક્યોરિટી અને કમ્પાઉન્ડ વોલ બનાવવી.
આપણેજ તાળા મારીને જવાનું છે: પ્રમુખ
ઇકબાલભાઇ રોષભેર જણાવે છે કે, અહીં સુવર્ણભસ્મ જેવી મોંઘી દવાઓ બનાવવા અમારા મંડળના ચેરમેન પોતાના મળતિયા ખાનગી વૈદ્યો, ડોક્ટરોને લાવતા. એક વખત તો એક ચેરમેન એવા શબ્દો બોલ્યા હતા કે, આ બધી દવાઓ બનાવતાં અહીંજ આવીને શીખી લો. અને બગડે તો ભલે બગડે. રાજકીય આગેવાન એવા આ મહાશય એવું બોલેલા કે, મારે બોર્ડ પ્રેસીડેન્ટ તરીકે આવતાં ધોળા અાવી ગયા મારા વિરોધીઓએ મને અા પદ સુધી પહોંચવા ન દીધો. હવે હું છું અને મારે મારી રીતેજ ચલાવવાની છે. અને મારા ગયા પછી કોઇનું ધ્યાન ન પડે એવી હાલતમાં પરિસ્થિતીમાં મૂકી દેવી છે. આપણે જઇએ એટલે તાળું લાગે એવી મૂકીને જવાનું છે. 1987માં તેમના ગયા પછી ખરેખર પગારના ફાંફા પડી ગયા હતા. પછી છેક 2003માં એ. પી. સિંહની નિમણૂંક થઇ ત્યારે હાલત સુધરી. જોકે, તેના પછી ફક્ત કે. સી. પંત સુધી જ ફાર્મસીની હાલત સારી રહી.
અહીં ટ્રાન્સપોર્ટેશન અને બીજા ખર્ચા વધી જાય : મંત્રી
ઇકબાલભાઇ કહે છે, અમે એક વખત આરોગ્ય મંત્રી સમક્ષ રજૂઆત માટે ગયા હતા. તો તેમણે એવો જવાબ આપ્યો કે, જૂનાગઢ તો બહુ દૂર પડી જાય. એટલે તો અમે વડોદરા અને રાજપીપળા ડેવલપ કર્યું છે કે, શાસનથી લઇને સંચાલન સુધી સરકાર સીધી નજર રાખી શકે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2Z4wwWk
Comments
Post a Comment