થિયેટર, જિમ ખોલવાની તૈયારી, તકેદારીના ભાગરૂપે દેશભરમાં સ્કૂલો અને મેટ્રો સેવા બંધ રહેશે

કોરોના વાઈરસના કેર પછી જાહેર કરાયેલું અનલૉક-2 31મી જુલાઈ, શુક્રવારના રોજ પૂરું થઈ રહ્યું છે. સૂત્રોના જણાવ્યાનુસાર, કેન્દ્ર સરકાર ઓગસ્ટથી અનલૉક-3ની જાહેરાત કરીને કેટલીક છૂટછાટ આપી શકે છે. ખાસ કરીને અનલૉક-3માં મલ્ટિપ્લેક્સ, સિંગલ સિનેમા હૉલ અને જિમ ખોલવાની મંજૂરી મળી શકે છે. જો કે દેશભરની સ્કૂલો અને મેટ્રો સેવા પહેલાની જેમ જ બંધ રહેશે.

મંત્રાલયના એક ઉચ્ચ અધિકારીએ પણ કબૂલ્યું હતું કે, ‘થિયેટરો ખોલવા અમે ગૃહ મંત્રાલયને પ્રસ્તાવ મોકલી દીધો છે.’ સિનેમા હૉલ માલિકો 50% ટિકિટ વેચાણ કરીને થિયેટરો શરૂ કરવા તૈયાર છે, પરંતુ સરકાર ફક્ત 25% ટિકિટ વેચાણ સાથે મંજૂરી આપવા માંગે છે. જોકે, દેશના અનેક સિનેમા હૉલ માલિકો 25% ક્ષમતા સાથે થિયેટરો ખોલવા તૈયાર નથી.

તકેદારીના ભાગરૂપે સ્કૂલો અને મેટ્રો સેવા બંધ રહેશે
અનલૉક-3માં દેશભરની સ્કૂલો અને મેટ્રો સેવા પહેલાની જેમ જ બંધ રહેશે. દેશમાં સ્કૂલો ફરી શરૂ કરવા મુદ્દે માનવ સંસાધન વિકાસ મંત્રાલયે તમામ રાજ્યો સાથે બેઠક પણ યોજી હતી. માનવ સંસાધન મંત્રી રમેશ પોખરિયાલે કહ્યું હતું કે, આ મુદ્દે અમે કેટલાક વાલીઓ પાસેથી સૂચનો લીધા છે, પરંતુ તેઓ સ્કૂલો ખોલવાની તરફેણમાં નથી.

જિમ કસરત કરતી વખતે માસ્ક પહેરવું જોખમી
જિમ ખોલવામાં પણ આ જ પ્રકારની ચિંતા વ્યક્ત કરાઈ રહી છે. સૂત્રોના જણાવ્યાનુસાર, ગૃહ મંત્રાલય અનલૉક-3માં ઓછી ક્ષમતા સાથે જિમ ખોલવાની મંજૂરી આપવા તૈયાર છે. આ માટે તમામ બેચમાં જિમના સ્પેસ પ્રમાણે ચોક્કસ સંખ્યામાં જ લોકોની હાજરી તેમજ ઈક્વિપમેન્ટનું રોજેરોજ સેનિટાઈઝેશન વગેરે જેવા નિયમો બનાવાઈ શકે છે.

નિષ્ણાતોના મતે, જિમમાં કસરત વખતે માસ્ક પહેરવું જોખમી સાબિત થઈ શકે છે. તેથી જિમમાં દરેક બેચમાં ચોક્કસ સંખ્યામાં જ લોકો હાજર રહે એ જરૂરી છે. હાલમાં જિમમાં સભ્યો પોતાના સમયે જઈ શકે છે પરંતુ અનલૉક-3માં છૂટ આપવામાં આવશે તો આ રીતે જવું શક્ય બનશે નહીં. દરેક માટે અલગ ટાઈમ સ્લોટ નક્કી કરવો પડશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ફિલ્મ થિયેટરની ફાઇલ તસવીર.


from Divya Bhaskar https://ift.tt/3g2DXon

Comments