ભાસ્કર: ચર્ચા છે કે રૂપાણી સરકાર જાય છે?, રૂપાણી: હું જેમને પસંદ નથી તેએ આવી વાતો કરે છે, મને મોદી-શાહનો ફ્રીહેન્ડ છે

અમદાવાદ: 2019ના વીતેલા વર્ષમાં રાજ્યની ભાજપ સરકારની કામગીરીમાં ઘણા ઉતાચઢાવ જોવા મળ્યા. કેટલાક નિર્ણયોમાં સરકારે યુ-ટર્ન લેવો પડ્યો તો ક્યારેક પારદર્શિતાને લઈને સવાલો થયા. સાથે જ ગાંધીનગરની પાવર ગેલેરીમાં મુખ્યમંત્રી બદલાઈ રહ્યા છે, મુખ્યમંત્રી કેન્દ્રના ઈશારે કામ કરે છે જેવી વાતો પણ વહેતી થઈ. આ તમામ અટકળો, ચર્ચાઓ મુદ્દે ચિંતન આચાર્યએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને સીધા સવાલો કર્યા. 7 દિવસ, 7 ઇન્ટરવ્યૂ સીરિઝના પ્રથમ ભાગમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની મુલાકાત...
ભાસ્કર- વિજય રૂપાણી જાય છે, એવી વાતો જોરશોરથી સંભળાય છે, તમે શું કહો છો?
રૂપાણી:
પહેલાં તો આ બધા લોકોને બીજી કોઈ સીરિયસ વસ્તુ હાથમાં આવતી નથી. હું જ્યારે પહેલી ટર્મમાં આવ્યો ત્યારથી આવી વાતો થાય છે. કોંગ્રેસના અમુક પ્રવક્તાઓએ આવાં નિવેદનો અનેકવાર કર્યાં છે. આજે મારે સાડાત્રણ વર્ષ થયાં. અમે એવું કાંઈ જ નથી કરતાં કે પ્રજા દુ:ખી થાય કે પાર્ટી બદનામ થાય. મારો વ્યક્તિગત કોઇ જ એજન્ડા નથી, નથી ને નથી. એક ટકો પણ ખોટું કરવાની મારી નિયત નથી. ઇમાનદારીથી પ્રજાલક્ષી કામ કરું છું એટલે આવી વાતનું મને કોઇ ટેન્શન નથી. પાર્ટીએ જે કામ સોંપ્યું તે ખંતથી કરું છું.
ભાસ્કર- અગાઉ નવરાત્રિ વેકેશન મુદ્દે, ભરતી પરીક્ષાઓ અને હવે હેલ્મેટ મુદ્દે, નિર્ણયો પાછા ખેંચ્યાં.તમારી સરકારની ઇમેજ યુ-ટર્ન સરકારની થઇ ગઇ, કેમ?
રૂપાણી:
ક્યારેક નિર્ણયમાં પ્રોબ્લેમ આવે અને યુ-ટર્ન લેવો પડે. મારી સરકાર એવી લચીલી સરકાર છે કે પ્રજાના હિત માટે અમે ઇમાનદારીથી પ્રજા ઇચ્છે છે તે માટે યુ-ટર્ન લઇએ છીએ. અમે એવા અહંકારી પણ નથી કે અમે નિર્ણય લીધો એટલે પૂરું.ક્યાંક કોઈ ચૂક રહી હોય અને લોકો અમને સાચી વાત કરે તો આમ થાય. અમને વિદ્યાર્થીઓએ કહ્યું કે ભરતીપરીક્ષામાં કાંઈ ચૂક છે અને અમે તરત સીટ (સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ) નીમી દીધી. કારણ કે અમારું અંગત કાંઇ નહોતું. કોઇ પાંચને નોકરી નહોતી આપવાની.
અમે ઇચ્છતા હતા કે મહેનતુ અને ઇમાનદાર લોકો સરકારી નોકરીમાં પસંદ થઇ આવે. અમને સીટે રીપોર્ટ આપ્યો કે કશીક ગરબડ થઇ છે અને ઇમાનદાર લોકોને નુક્સાન થાય તેમ છે, અમે તરત જ નિર્ણય કર્યો કે પરીક્ષા રદ્દ, આની પણ હિંમત જોઇએ. એ સાહસ અમે કર્યું અને હિંમતથી નિર્ણય કર્યો અને બધા એ આવકાર્યો છે.
ભાસ્કર- અમુક મંત્રીઓ મહત્ત્વના નિર્ણય લેવામાં તમને બાયપાસ કરી નાખે છે તેવી ચર્ચા થાય છે, આવું કેમ બને છે?
રૂપાણી: આવું નથી થતું અને કોઇ કરી ન શકે. દરેકના પાવર ડેલિગેશન થયાં છે. તમામ વિભાગની પોલિસી મારી પાસે એપ્રૂવલ માટે આવે છે કારણ કે કોઇ મંત્રી જાતે નિર્ણય ન કરે તેથી મુખ્યમંત્રી પાસે ફાઇલ આવે. અમુક બાબતોમાં મંત્રીઓ પાસે સત્તા હોય અને તે મારી પાસે ન આવે અને તેથી મને તે વાતનો ખ્યાલ ન પણ હોય. અધિકારીઓ પાસે પણ સત્તા છે અને તેથી તેઓ પણ તેમની રીતે કામ કરે છે. એટલે એવું કાંઇ નથી કે મને કોઇ બાયપાસ કરીને કામ કરે છે. અમુક પાવર કેબિનેટ પાસે હોવાથી મારે પણ કેટલાંક નિર્ણય લેવા હોય તો ત્યાં જ રજૂ કરીને સામૂહિક સંમતિ લેવી પડે.
ભાસ્કર-રાજ્ય સરકારમાં અધિકારીઓની બદલી માટે પણ કેન્દ્રના આદેશની રાહ જોવી પડે છે, આવા કારણોથી કેન્દ્રના રિમોટથી જ સરકાર ચાલે છે એવી છાપ વધુ ઘેરી બને તેવું નથી લાગતું?
રૂપાણી: રાજકારણમાં મારા વિરુદ્ધ ઠોસ કાંઇ મળતું નથી એટલે કેટલાંક લોકો આવી બાબતોને ઉછાળે છે, સાવ પાયાવિહોણી વાત છે. નરેન્દ્રભાઇ અને અમિતભાઇએ મને સંપૂર્ણ ફ્રી હેન્ડ આપ્યો છે. કોઇ બદલીમાં દિલ્હીથી ગ્રીન સિગ્નલ લેવાનો નથી. ઊલટાનું અમે ઇચ્છીએ છીએ કે તેમનું માર્ગદર્શન મળતું રહે, પણ તેમણે અમારી સરકારને પહેલેથી જ કહ્યું છે કે સહુ સાથે મળીને નિર્ણય લો અને અમે સાથે છીએ. વિરોધીઓ આવું કરે છે.
ભાસ્કર- તમારા વિરોધીઓ કોણ છે, તમારી સાથે બેસનારાં કે તમારી સામે બેસનારાં?
રૂપાણી: સાથે બેસનારાં કોઇ નથી, તેઓ તો સાથ આપે છે. સામે વાળા જ છે. સરકાર ઢીલી પડે, ગુજરાતનો વિકાસ અટકે અને ગુજરાત પાછું પડે તેવાં તેમના ઇરાદા છે. તેઓ એવી પણ ભ્રમણા ફેલાવે છે કે આમ મારા સાથીઓમાંથી જ કોઇ કરી રહ્યાં છે, પણ મને બધા સાથીઓ પર ભરોસો છે ભાજપનો કોઇ માણસ આવું ન કરે, મનમાં પણ વિચાર ન લાવે. સામેવાળાં લોકો જ આવું કરે છે.
ભાસ્કર: તો તમે એવું માનો છો કે તમારા સાથીઓમાંથી તમારો વ્યક્તિગત પ્રતિદ્વંદ્વી કોઇ નથી.
રૂપાણી: એવું નથી. રાજકારણમાં બધાના નાના-મોટા પ્રતિસ્પર્ધી હોય પણ જે જુઠ્ઠી વાતો ફેલાવે તે અમારી પાર્ટીનો નથી, તે બહારના માણસો છે.
ભાસ્કર- ભરતી પરીક્ષાઓમાં થયેલા પેપરલીકના મામલામાં તમારી સરકારની પરીક્ષા લેવાઇ ગઇ. આવાં કિસ્સાથી પારદર્શકતા ધૂંધળી થઇ એમ નથી લાગતું?
રૂપાણી: હું માનું છું કે આવા પ્રસંગોને કારણે અમે વધુ પારદર્શક બન્યાં છીએ. મારી સરકારે ત્રણ વર્ષમાં એક હજારથી વધુ નિર્ણય કર્યાં અને બધા સ્વીકારે છે કે સરકાર ડિસિઝિવ (ઝડપી નિર્ણયો લેતી) છે. અમારા નિર્ણય બોનાફાઇડ ક્લિયર છે અમારી નિયત પણ ચોખ્ખી છે. અમારો કોઇ વ્યક્તિગત એજન્ડા નથી. સોયની અણી જેટલી ભ્રષ્ટાચારની બદબૂ પણ અમારા નિર્ણયમાં નથી.
ભાસ્કર: 2017ની ચૂંટણી પછી રચાયેલી તમારી સરકારને 26 ડિસેમ્બરે બે વર્ષ પૂરા થયાં. તમને લાગે છે કે આ બે વર્ષનો સમયગાળો તમારા માટે પડકારજનક રહ્યો?
રૂપાણી: હું નથી માનતો કે પડકારજનક હતું. પણ બે વર્ષ ખૂબ સક્રિયતાપૂર્વક અમે આગળ વધ્યા અને કામ કર્યું. કોઇ પણ સરકાર સમસ્યા વગરની હોય જ નહીં. સમસ્યા એન્ડ લેસ છે. હમણાં તીડની સમસ્યા આવી એને પૂરી કરી,. સરકારે સારું કામ કર્યું. કાલે બીજી આવશે ને પછી ત્રીજી. સરકારનો ધર્મ છે કે દરેક સમસ્યામાં પ્રોએક્ટિવ રહી પ્રજાની પડખે ઊભી રહે, નિર્ણય લે અને તંત્ર કામે લાગે. નિર્ણાયકતા અતિ મહત્ત્વની છે. બે વર્ષમાં મારી સરકારે સમયોચિત, વ્યવસ્થિત, અસંખ્ય અને લોકોપયોગી નિર્ણયો કર્યાં છે. નાની મોટી સમસ્યા હોય પણ એ ટેન્શન સર્જે તેવું લાગતું નથી.
ભાસ્કર- આ દરમિયાન એવી ઘણી ઘટનાઓ બની કે જેમાં તમારી સરકાર સીધી દબાણ હેઠળ આવી ગઇ, આ પ્રેશરને તમે કેવી રીતે લીધું?
રૂપાણી: પહેલાં તો દરેક સમસ્યાનું સમાધાન હોય જ મારી સ્પષ્ટ માન્યતા છે. કોઇ સમસ્યા એવી નથી કે એનો રસ્તો ન હોય એ આશાવાદ મારી પદ્ધતિ છે. અમે સિનિયર મંત્રી સાથે બેસી ટીમ તરીકે કામ કરીએ છીએ. અને દરેક સમસ્યાનું સમાધાન શોધવાનું કામ કરીએ છીએ. એટલે કલેક્ટિવ ડિસ્કશન અને કલેક્ટિવ ડિસિઝન એ કાર્ય પદ્ધતિ રહી છે અને વહીવટી વડા અધિકારીઓને પણ સાથે બેસાડી એક્શન પ્લાન બનાવી તેના આધાર પર આગળ વધીએ છીએ. વ્યક્તિગત કોઇ ટેન્શન કે પ્રેશર નથી. ટીમ ગુજરાત તરીકે કામ કરીએ છીએ.
ભાસ્કર- શાહઆલમની ઘટનામાં પોલીસ પર પથ્થરો પડ્યાં, સરકારથી ક્યાં કાચું કપાયું? આ ઘટના અગાઉ સરકારે પોલીસને કેવા આદેશ આપ્યાં હતાં?
રૂપાણી: એકચ્યુલી કોંગ્રેસ અને વિરોધીઓ દ્વારા દેશમાં તોફાન થાય, અશાંતિ ફેલાય, મિલકતો બળે તે કાર્યક્રમ નક્કી હતો. ભૂતકાળમાં ગુજરાતમાં તોફાનોનો ઇતિહાસ પણ આપણી પાસે હતો. આપણે એલર્ટ રહ્યા અને વિરોધીઓએ જે એલાન આપ્યાં હતાં તે સાજિશ નિષ્ફળ બનાવી. તે પછી આખાં ગુજરાતમાં શાંતિપૂર્ણ દિવસ પસાર થયો. શાહઆલમમાં એકલ દોકલ પોલીસ હતી અને ટોળું મોટું હતું. ગુજરાતની પોલીસને ધન્યવાદ કે સંયમથી કામ લીધું. પોતે માર ખાધો અને તોફાનને ન વકરવા દીધાં. એક એક તોફાનીઓને શોધ્યા અને તેમના વિરુદ્ધ ન્યાયિક પ્રક્રિયા થઈ. એ ચોક્કસ કે, એકલ દોકલ પોલીસ હતી અને તેમની સામે ટોળું મોટું હતું. પૂરતો ફોર્સ સાથે લેવાની જરૂર હતી. પરંતુ પોલીસને બિરદાવું છું. ગુજરાત પોલીસે રાજ્યમાં અશાંતિ ન ફેલાય તે રીતે દરેક ઘટનાઓમાં તોફાનોને વકરવા દીધાં નથી.
ભાસ્કર- સરકારમાં કાર્યદક્ષ અને વરિષ્ઠ અધિકારીઓની ખેંચ અનુભવો છો?
રૂપાણી: ગુજરાતે એવું મોડલ ડેવલપ કર્યું છે કે ગુજરાતના અધિકારીઓની ક્ષમતામાં વધારો થયો છે. સિનિયર દિલ્હી ગયા તો જુનિયરોએ પૂર્તિ કરી છે. અમને ખેંચ લાગતી નથી. જુનિયરની જવાબદારી વધારી રહ્યાં છીએ અને નવી કેડરને પણ ડેવલપ થવાનો મોકો મળે છે. નવા યંગસ્ટર્સ આવે છે તેમાંથી ઘણાં પોતાની ક્ષમતા વધારીને જવાબદારી નિભાવે છે તેથી આવું ફીલ થતું નથી.
ભાસ્કર- તમારી સરકારના કેટલાક મંત્રીઓ અંડરપર્ફોમર હોય તેવી છાપ ઊભી થઇ રહી છે અને તેની અસર તમારી સરકારના પ્રભાવ પર પડે તે સ્વાભાવિક છે. આવી સ્થિતિને કેવી રીતે કાબૂમાં લેશો?
રૂપાણી: વ્યક્તિગત રીતે કોઇ એક મંત્રી કરતાં મંત્રીમંડળ સામૂહિક જવાબદારી લે છે. દર સપ્તાહે કેબિનેટમાં અમે નિર્ણય લઇએ છીએ, દરેક વિભાગની ચર્ચા કરીએ છીએ. આવશ્યક મુદ્દે સાથે મળીને ચર્ચા કરીએ છીએ. કોઈ વ્યક્તિગત રીતે ઢીલું છે તેવું ધ્યાનમાં નથી. સાથી હાથ બઢાના વાળા મંત્રથી સરકાર ચાલે છે.
ભાસ્કર- આટલી બધી ગડમથલો એક સાથે ચાલતી હોય ત્યારે વ્યક્તિગત રીતે તાણ અનુભવો છો?
રૂપાણી: વર્ષોેથી પાર્ટીના સંસ્કારથી કામ કરું છું. સત્તા સેવાનું સાધન છે. હું સત્તા માણવા નથી આવ્યો, સત્તાની ખેવના રાખવી કે તેના માટેની આંટીઘૂંટી કે ઉઠકપટક કરવી એ મારો સ્વભાવ નથી. કોઇ દિવસ સત્તાની ભાંજગડની ચિંતા કરી નથી. એેટલે જ મારા સ્વભાવમાં ક્યારેય ઉગ્રતા નથી આવતી કે ટેન્શન નથી. હસતાં હસતાં કહું તો ખટારા પાછળ લખેલું હોય છે ને કે બુરી નજર વાલે તેરા મુંહ કાલા, અને ભગવાન સૌનું ભલું કરે તે માનસિકતાથી સ્વસ્થ હોઉં છું. હું સત્તાની પાછળ દોડનારી વ્યક્તિ નથી. જે પાર્ટીએ સોંપ્યું તે ઇમાનદારીથી, પરિશ્રમની પરાકાષ્ઠાથી, લોકોને સારામાં સારા પરિણામ મળે તે જ જીવનનો સંતોષ મળે તે માનીને રહું છું એટલે જ સ્થિરતાપૂર્વક કામ કરી શકું છું.
ભાસ્કર- તમારી સરકારની પરીક્ષા કુદરત પણ લેતી હોય તેવું લાગે છે. પહેલા અછત, પછી વરસાદ આવ્યો પણ તે લંબાતા ખેતીમાં પારાવાર નુક્સાન અને હવે બાકી હતું તો તીડ આવ્યાં. તમે મનોમન કુદરતને કે ઇશ્વરને ફરિયાદ કરો છો કે આવું કેમ થાય છે?
રૂપાણી: હું ઇશ્વરનો આભાર માનું છું કે સમસ્યા પાર પાડવાની ઇશ્વરની કૃપા અમારી પર વરસી અને દરેક સમસ્યામાંથી સાંગોપાંગ બહાર આવ્યાં. ગયા વર્ષે અછત હતી અને કચ્છના લોકો કહે છે કે આ પહેલો દુકાળ એવો હતો કે અમને ખબર જ ન પડી, પાણી અને ઘાસ મળી રહ્યાં, ઢોરવાડા ચાલ્યાં, સબસીડી મળી. પછી મીડિયા કહેતું હતું કે ગુજરાતના ડેમોમાં સાત ટકા જ પાણી રહ્યું અને સમસ્યા થશે, પણ તેના બદલે વ્યવસ્થા કરી કે એક પણ ગામ પાણી વગર ન રહ્યું. નવો વરસાદ આવ્યો ત્યાં સુધી પાણી આપ્યું. ભગવાને કસોટી કરી પણ આશીર્વાદથી અમે કામ કર્યું. માવઠાંથી ખેડૂતોને નુકસાન થયું તો પેકેજ આપ્યું અને ખેડૂતો ખુશ છે. કમનસીબે બનાસકાંઠામાં તીડનું આક્રમણ આવ્યું પણ ભારત સરકારની મદદથી તેનો ખાત્મો કર્યો, ખૂબ સારી કામગીરી થઇ, ખેડૂતોને નુકસાનનું વળતર મળશે પણ તીડને આગળ વધવા ન દીધાં તે પણ એક સિદ્ધિ છે. દરેક આફતમાં ઇશ્વરના આશીર્વાદ મળ્યાં, એવું જ વાવાઝોડું મહા અને વાયુમાં થયું. તે વખતે સરકારે વ્યવસ્થા ખૂબ કરી. વાવાઝોડું ફંટાયું કે જાણે કુદરતે મદદ કરી પણ અમને ય શક્તિ આપી. એટલે અમારી ક્ષમતા અમે પૂરવાર કરી શક્યાં. સરકાર અને વહીવટીતંત્ર સક્ષમ છે એ આનાથી પ્રુવ થયું.
ભાસ્કર- તાજેતરમાં જ જારી થયેલા કેન્દ્રના ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સમાં ગુજરાત છઠ્ઠા ક્રમે ધકેલાયું, કેમ આમ થયું?
રૂપાણી: અમે બધી વિગતો મગાવી રહ્યાં છીએ અને ચેક કરીશું. પણ આજેય કહું છું કે આ જ સેન્ટ્રલ ગવર્મેન્ટે વોટર મેનેજમેન્ટ, લોજિસ્ટીક, ઇકોનોમી, ફોરેન ડાઇરેક્ટ ઇન્વેસ્ટમેન્ટમાં આખાં ભારતના 40 ટકાના ફાળા સાથે આપણે પ્રથમ છીએ જ. શિક્ષણમાં આગળ વધ્યાં, પ્રવાસનમાં ખૂબ વધારો થયો, અને રોજગારમાં વર્ષોથી 81 ટકા સાથે આપણે સૌથી આગળ છીએ તથા સૌથી ઓછી બેકારી અહીં છે. કૃષિ ઉત્પાદન અને નિકાસમાં દેશના 28 ટકાના યોગદાન, પ્રધાનમંત્રી આવાસ યોજના અને આયુષ્યમાન ભારત યોજનામાં આગળ છીએ. તેમ છતાં ગુજરાત વિકાસમાં પાછળ રહે તે ચાલે જ નહીં અને જે કાંઇ પરિવર્તનની આવશ્યકતા છે તે કરીશું , આપણું મન ખુલ્લું છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
મુખ્યમંત્રી વિજય રૂપાણીની ફાઇલ તસવીર.


from Divya Bhaskar https://ift.tt/2QeaIEE

Comments